લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧


ખાલી થઈ ગઈ. પાટલા રોકાઈ ગયા, અને સર્વમાં મુખ ભોજન કરતાં છતાં વિનોદવાર્ત્તાની ક્રિયાનું જ ભાન ધરવા લાગ્યાં. તત્ક્ષણજન્ય વર્તમાનના તેજમાં ત્રિકાળસિદ્ધ પદાર્થ એમ જ ભુલી જવાય છે.




પ્રકરણ ૧૬.
બુદ્ધિધન અને સૌભાગ્યદેવી.

કુમુદસુંદરી નીચે આવી તે પ્હેલાં સર્વ પુરુષવર્ગ જમી મેડીએ ચ્હડ્યો અને પ્રધાનખંડ ઉભરાયો. બુદ્ધિધન હરતો ફરતો તેણી પાસ સર્વની દૃષ્ટિયો જતી અને તે જેની સાથે વાત કરે કે બોલે અથવા જેના સામું જુવે. તે પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યા. વિદુરપ્રસાદ પાનનાં બીડાં વ્હેંચવા લાગ્યો. પ્રમાદધન હસતો હસતો હેરાફેરા કરવા લાગ્યો, પોતાના મિત્રોને સર્વથી અધિક સત્કાર કરવા લાગ્યો, આરામ– આસનપર પડી કંઈ કંઈ હુકમો કરવા લાગ્યો અને કંઈ કંઈ ગપાટા મારવા માંડ્યા. નવીનચંદ્ર કંઈક જવાના વિચારમાં અને કંઈક આ નવા સંસાર જોવામાં પડ્યો હતો અને એક ખુણામાં ગાદી ઉપર પડ્યો પડ્યો સર્વ ચિત્રની છબી મનમાં પાડતો હતો.

અંતે બે વાગ્યા અને સર્વ મંડળ વેરાવા માંડ્યું. થાક્યોપાક્યો અને ભારે જમણ જમેલો બુદ્ધિધન ઘડીક પોતાના ખંડમાં વિરામ પામવા ગયો અને પ્રમાદધન પોતાના ખંડમાં ગયો. નવીનચંદ્ર ગાદી ઉપર નિદ્રાવશ થઈ ગયો.

દરબાર ભરવાનો સમય તે જ દિવસે પાંચને બદલી બીજે દિવસે પ્રાતઃકાળને કર્યો હતો અને સાંઝે તથા રાત્રે માત્ર ખાનગી મંડળ એકાંતમાં સંન્મત્ર કરવા ભરાવાનું હતું. પ્રમાદધન અને તર્કપ્રસાદે – સિદ્ધ સાધકનો સંબંધ દેખાડી – ચારેક વાગે લીલાપુર જવું અને થયેલા વર્તમાનના સમાચાર કહી તથા થનાર ગોઠવણ બાબત સાહેબની અનુમતિ લેઈ પ્રાતઃકાળના દરબાર પ્હેલાં પાછાં આવવું એમ ઠરાવ હતો.

રામભાઉએ તર્કપ્રસાદ સાથે બુદ્ધિધન ઉપર કેટલીક અયોગ્ય માગણીવાળો સંદેશો મોકલ્યો હતો અને તે પ્રમાણે અનુવર્તન નહી થાય તો સાહેબને ઉંધુંચતું ભરવવાની ધમકી આપી હતી. દરબારનો સમય બદલવાનું કારણ આ નવી ચિંતા હતી.