લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૩

છુટી પશ્ચિમાવસ્થાના પવિત્ર ધર્મબંધનમાં તે હોંસભરી સંક્રાંત થઈ. મોક્ષને વિચાર નીરાળો કરવો પડે એ કાંઈ તેને ન હતું. પતિ એ જ મોક્ષ; આ અવતારમાં, આવતા અવતારમાં; પ્રત્યક્ષ જગતમાં; પરોક્ષ સ્વર્ગમાં; 'ક્યાં' તે વિચારની અગત્ય શી ? - સર્વત્ર ધર્માર્થ કામમોક્ષમાં પતિ પ્રવાસ કરે ત્યાં છાયા પેઠે પત્ની જાય. તેના ફળભોગમાં પોતાનો ભાગ ખરો જ ! પતિયે ધર્મપત્નીની ઈચ્છાથી કામ તજ્યો – ધર્મ સ્વીકાર્યો. હવે બીજું શું જોઈએ ? જયાં પતિ ત્યાં મોક્ષ ! સ્વર્ગમાં પણ પતિ ન હોય તો એ સ્વર્ગ શા કામનું ? અાર્યાઓ ગાય છે,

"વ્રજ વ્હાલું રે ! વૈકુંઠ નથી જાવું !
“ ત્યાં મુજ નન્દકુંવર ક્યાંથી લાવું– ? વ્રજ.” '

ભરતખંડની પવિત્ર આર્યા ! આ ત્હારી અભિજાત વૃત્તિ ! એ સૌભાગ્યદેવીમાં દેખાઈ ભરતખંડના અભણ વર્ગને ઉચ્ચ વિચારો પાસે પ્હોંચાડનાર – સદાચાર વચ્ચે રાખનાર - ભણેલાની વિદ્યા જાળવનાર – પેલા ગાંડા - ઘેલા જેવા દેખાતા, મૂર્ખ સુધરેલાના હાસ્યાસ્પદ, કાળબળે અવગણના પામેલા, દ્રવ્યહીન, દિશાહીન, દમ્ભહીન, અંતસ્તેજસ્વી શાસ્ત્રીપુરાણીયોની હજારો, વર્ષથી નિર્મળ નદીયો પેઠે વહેતી આવતી કથાઓના રસમાં ચંચૂપાત થવાથી સૌભાગ્યદેવી ધર્મસંસ્કારી થઈ હતી. પતિ કારભારી થયો લાગ્યો અને તે જ ક્ષણે માગતામાં જ પોતાની ધર્મેચ્છાં અામ તૃપ્ત થઈ! હવે તે પતિની કેવળ ધર્મપત્ની જ બની; સંબંધ અશરીર થઈ ગયો, – પવિત્ર દેવીને આજ સૌભાગ્યની સીમા આવી લાગી: “ આ જ ક્ષણે પતિમુખ જોતી જોતી અાનંદમય ૨હી ધર્મમય રહી મૃત્યુ પામું તો હું કેવી સૌભાગ્યવતી ? સ્વર્ગમાંથી પણ પતિને જ દિવ્ય ચક્ષુથી જોયાં કરું !” આ વિચાર ક્ષણ વાર તેના મનમાં સળગી રહ્યો. અને પ્રફુલ્લ વદનવાળી પતિના પવિત્ર ચરણ સામું તેના હાથમાં હજી પોતાને હાથ રાખી – ક્વચિત્ પોતાનાં અાંગળાં થાબડી - નમસ્કાર વર્ષાવતી દ્રષ્ટિવડે જોઈ ૨હી !

પતિચરણ જોતી દ્રષ્ટિ અંતમાં વળી. નદીમાં શાંત રજનિને સમયે અંધકારને ડોલાવતા સપરિવાર ચંદ્રમાનું પ્રતિબિમ્બ પડી રહે તેમ પત્નીના હૃદયમાં સુવર્ણપુરનું રાજ્ય ડોલાવતા પતિની મુદ્રા પડી રહી. હવે નવું વરદાન આપ્યા પછી માત્ર મનનો જ સંબંધી પતિ, રાજ્યતંત્રરૂપ સમુદ્રનું મન્થન કરતો હોય અને પોતે તો બ્હાર તટસ્થ ઉભી ઉભી માત્ર જોતી હોય એમ લાગ્યું. કાળા તરંગોથી છલકાતી રાજય – કાલિન્દીમાંનો શઠરાય – વાસુકીની ફણા વચ્ચે કૃષ્ણપેઠે બુદ્ધિધન ઉભો હોય, બળ અજમાવી રહ્યો હોય, અને પોતે તો માત્ર તટ પરથી જોનારી ગોપી હોય તેમ, જોટવાંવાળો જમણા