પચીસેક રુપીઅા તો એને ત્યાં જઈયે કરીયે તે અત્તર બત્તર ને એવું ખરચ થાય. પછી પચાસેક રુપીયા માં આપણે બીજું ખર્ચ, લુગડાં છે, લત્તાં છે, બીજું છે, ત્રીજું છે એમ થાય ! ત્યારે શું થયું એ ? જાણે કે પચાસ એ–પચીસ એ ને પચાસ આ – ને આ – એટલે દોઢસોનો સુમાર થયો. બાકી પચાસ રુપીઆ રહ્યા – તે તો એટલો હીસાબ તો – એને ( કુમુદસુંદરીને ) ખાતે – એ બોલતી ચાલતી નથી પણ એનેયે કાંઈ આપ્યા કર્યા વિના છુટકો છે ? એને લીધે તો આપણા ખીસાખરચનો હીસાબ નથી આપવો પડતો ! એટલે હવે બસોયે બસો પુરા થઈ રહ્યા.”
બજેટ થઈ રહ્યું - હીસાબ થઈ રહ્યો. હીંદુસ્થાનના હજારો રુપીઅાના પગારદાર ઈંગ્રેજોના હીસાબમાં કરોડો રુપીઅાની ભુલો ચાલી જાય તો વગરભણ્યા પ્રમાદધનના પ્રમાદમાં પચીસ રુપીઆ ચાલ્યા જાય , એ કાંઈ મ્હોટી વાત નથી.
તક્તો અાઘો મુકી તે ટેબલ આગળ ખુરશી પર બેઠો. ટેબલ પર કુમુદસુંદરીના ઉદ્યોગના પદાર્થો પડ્યા હતા. એક પાસ ઈંગ્રેજી કવિયો, વચ્ચે સંસ્કૃત કવિયો, બીજી પાસ સૃષ્ટિપદાર્થજ્ઞાનના ગ્રંથો, સામે ગુજરાતી મનુસ્મૃતિ, અને અહીં આગળ અધ્યાત્મરામાયણનાં પાનાં પડ્યાં હતાં અને વચ્ચે એક કાગળના કડકાનું ચિહ્ન મુકર્યું હતું. ખુરસીપર બેસી ટેબલ તળે લાંબા પગ નાંખી પ્રમાદધને રામાયણ હાથમાં લીધું, પ્રથમ પાને કહાડેલું ચિત્ર જોયું, એક પાનું વાંચવા માંડ્યું અને છોડી દીધુ, અને પાછું તરત જ પુસ્તક હતું ત્યાં સંભાળીને મુક્યું. આ સર્વ પુસ્તકશાળા સ્ત્રીની ઈચ્છા પ્રમાણે પતિએ જ વસાવી આપી હતી અને કુમુદસુંદરી પોતાનો દુર્ગમ કાળ, પુસ્તકોમાં પરોવાઈ ગાળતી હતી. સર્વ પુસ્તકો સામું પ્રમાદધન ક્ષણવાર જોઈ રહ્યો, ઉંડા કુવામાં નજર નાંખવી પડતી હોય એવો વિકાર અનુભવવા લાગ્યો, અને અંતે મ્હોં કસાણું કરી એકદમ ઉઠી ગયો.
કુમુદસુંદરીની સારંગી હાથમાં લીધી – તારઉપર હાથ ફેરવવા માંડ્યો. કુમુદસુંદરી સારંગી વગાડતી તે તેને ગમતું, પણ એ પદ્માની પેઠે કનૈયાનાં અને ઈશ્કનાં પદ ગાતી ન હતી એટલે સઉ લુખું લાગતું – કનૈયા વિનાનું તે ગાણું ? સારંગી પાછી હતી ત્યાં મુકી અને ભીંત પર પોતાની છબી હતી તે ઉંચી અાંખે – કેડ પર બે હાથ મુકી – ઉભો ઉભો જોઈ રહ્યો