શીખામણ આપી છે. આ સમાચારનો લાભ કાળકાએ લીધો અને ભાભીની શીખામણની યોગ્ય અસર ન થાય તેવી યુક્તિયો કરવા ચુકી નહી.
કૃષ્ણકલિકાને મ્હોંએ પોતે ભાભીનું નામ દીધું તેથી કિશોરીને પશ્ચાત્તાપ થયો પણ થોડા દિવસ તો તે મનમાં જ રાખી રહી. આખરે ન ર્હેવાયું તે એ પણ પાછું ભાભીને કહી દીધું. ભાભી સાવધાન થઈ તો પણ કૃષ્ણકલિકાની સંગતિમાંથી પોતાની વ્હાલી નણંદને છોડવવા યત્ન ઉઘાડો ન પડે એમ કરવા લાગી. શીખામણ દેવી મુકી દીધી પણું એમ ધાર્યું કે એકના ઉપર પ્રીતિ વધારે થશે તો બીજીના ઉપરની પ્રીતિ એની મેળે ઉતરશે. અામ ધારી કુમુદસુંદરી વનલીલાને અલકકિશોરીના ચિત્ત આગળ વધારે વધારે ધક્કેલવા લાગી. વનલીલા સ્હોજીલી હતી, તેની રસવૃત્તિ નિર્દોષ હતી, તેનામાં રમતીયાળપણાનો ગુણ અલકકિશોરીનાથી વધારે હતો, અને તે સમજુ વધારે હતી. કુમુદસુંદરીયે નણંદ અાગળ વનલીલાની જ સ્તુતિ કરવા માંડી, તેના ગુણોનું ભાષ્ય કરવા માંડ્યું, તેના ઉપર મોહ અને પ્રીતિ ઉત્પન્ન કર્યા, નણંદની અાંખો ઉઘડી, વનલીલાનો ઉત્કર્ષ તેના હૃદયમાં દેખાયો. અને એના આગળ કૃષ્ણકલિકા એની મેળે જ ક્ષુદ્ર દેખાઈ અા રીતિથી કુમુદસુંદરીયે કૃષ્ણકલિકાની નિન્દા કર્યા વિના, તેનું અપવિત્ર નામ જીભે લીધા વિના, તેને નણંદ પાસેથી દૂર કરી. કૃષ્ણકલિકા શઠરાયની પણ સગી હતી અને અલકકિશોરીને એક બે પ્રસંગે એવો પણ વ્હેમ પડ્યો હતો કે આપણા ઘરની વાત જાણી લેઈ શઠરાયના ઘરમાં એ કરે છે. જુની સંગતિ ઘણા પ્રયાસથી આખરે ઓછી કરી, તો પણ અાંખની શરમ છંડાતી ન હતી. પણ આજ તો વનલીલાની ગરબી ઉપરથી અલકકિશોરીનો પ્રીતિ છલકાઈ અને તેને પોતાની સાથે જમવા બેસાડી. આ વાત કુષ્ણકલિકાથી સંખાઈ નહીં. તેનું માનભંગ થયું અને અાંખો વનલીલા સામું જોઈ કાતરીયાં ખાવા લાગી. હવે એણે પોતાનો માર્ગ જાતે શોધવા પ્રયત્ન કર્યો. સઉ વાતોમાં ભળ્યાં જોઈ છાનીમાની ચોરની પેઠે ઉઠી અને નવીનચંદ્ર એકલો હશે એમ કલ્પી પોતે જ તેની મેડીમાં ગઈ. નવીનચંદ્ર તો ત્યાં હતો નહીં, ભ્રમિત ચિત્તે પ્રમાદધનની મેડીનું દ્વાર જોતાં બીજી ભ્રમણા શોધી ક્હાડી: “ મોઈ રાંડ અલક એનું શું કામ છે ? પ્રમાદને જ હાથમાં લેઉં નહીં એટલે મ્હારા ધણીનુંયે કામ થાય ! સારી નોકરી આપી શકશે પ્રમાદધન અને પેલી કુમુદડીનું વેર લેવાશે – રાંડ મ્હારી પાછળ ખાતરવટ થઈને લાગી છે.” આ વિચાર કરે છે એટલામાં પ્રમાદધને બારણું ઉઘાડ્યું.