પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૯

કૃષ્ણકલિકા છાનીમાની ઉઠી ગઈ તે કુમુદસુંદરીયે છાનુંમાંનું જોયું. તેની પાછળ પોતાની દ્રષ્ટિને મોકલી. તેને દાદર પર ચ્‍હડતી જોઈ, અગાશીની રવેશો પાછળ તેના માથાંના વાળ ચાલતા દેખાયા અને આખરે નવીનચંદ્રવાળી મેડી આગળ અદ્રશ્ય થયા.

કાંઈક નિમિત્ત ક્‌હાડી કુમુદસુંદરી ઉઠી. પણ કૃષ્ણકલિકાની પાછળ જવું ન ગમ્યું. “ ભોગ એના, હું ક્યાં આવા આવા મલિન માર્ગની ચોકી કરતી ફરું ? ” પરંતુ અંત:કરણે કહ્યું કરતાં પ્હેલાં આડાઈ કરી. કેટલીક વાર તે પાછી બેઠી. ચિત્ત ઉપર હતું અને નીચે બેઠેલાં સાથે વાતોમાં ભળી કૃષ્ણકલિકા પાછી ફરતી ન દેખાઈ – અધ ઘડી થઈ – ઘડી થઈ. અાખરે ધીરજ ન રહી અને ઉપર ચ્‍હડી. નવીનચંદ્રવાળી મેડીમાં ડોકીયું કર્યું –પણ કોઈ ન મળે. પોતાની મેડીનું દ્વાર બંધ હતું - તેને ઉઘાડવા ધિકકેલ્યું. ઉઘડ્યું નહીં. અંદર સાંકળ હતી. “ કોણ ? ”– પ્રમાદધને બુમ પાડી. કમાડ ફરી ધકકેલ્યું – ઉત્તર મળ્યો: “ ઉઘાડું છું.” થોડી વારે પ્રમાદધને બારણું ઉઘાડ્યું – મેડીમાં એ એકલો જ હતો. કુમુદસુંદરી અંદર ગઈ નહી - ઉમરા બ્‍હાર ઉભી. પ્રમાદધને અંદર બોલાવી – “હા આવું છું” કહ્યું પણ ન અાવી, કંઈક વિચાર કરી અંદર આવી ઉમરો એળે ગ્યો – પણ દ્વાર પાસે જ ઉભી અને દ્રષ્ટિ અગાશીમાં જ ૨હી: નવીનચંદ્રવાળી મેડીમાંથી નીકળી છાનીમાની પણ ઉતાવળી કુષ્ણકલિકા દાદર ભણી દેાડી. કુમુદસુંદરી એકદમ બ્‍હાર નીકળી અને છલંગ મારતી ફલંગ ભરતી – અબળા – બાળકીયે કુષ્ણકલિકાને પકડી પાડી – અને તેનું કાંડું પકડ્યું. બારણા બ્‍હાર ડોકીયું કરી વિવર્ણ – વ્હીલો – બનેલો પ્રમાદધન પોતાની મેડીમાં પાછો સંતાઈ ગયો.

ક્રોધથી કુમુદસુંદરીનું ગોરું મ્હોં રાતું રાતું થઈ ગયું. ક્રોધનાં આંસુ, અાવ્યાં, ક્રોધથી શરીર કંપવા લાગ્યું, ભમર ભાંગી અને કપાળે કરચલીયો વળી. અાંખે લોહીની તસર આવી. પણ શું બોલવું તે સુઝ્યું નહી. અહુણાં જાણે કે રોઈ પડશે – એમ ઓઠના રાતા પલ્લવ કંપવા લાગ્યા. કુષ્ણકલિકા પ્રથમ તો શરમાઈ અને નીચું જોઈ રહી. પણ છુટવાનો ઉપાય ન જોઈ નીડર બની. મર્યાદા તુટી ગઈ. કુમુદસુંદરીને ' તું ' કરી બોલાવવા મંડી,

" છોડ હાથ, જવા દે.”

" શરમાતી નથી ?–"

" શી બાબત શરમાય ? શરમા ને તું ?”-

“ જા, જા, નફટ. ત્‍હારી સાથે બોલવું પણ ન જોઈએ. જો આજ તો જવા દેઉ છું પણ અા ઘરમાં તને હવે થી દીઠી તો એમ જાણજે કે નાસતાં