ભોંય ભારે પડશે. ન્હોય અા શઠરાયનું ઘર. ડાહી હોય તો આ ઘર સામું ન જોઈશ. ”
બળથી પ્રત્યુત્તર દેવા જતી જતી પોતાના સગા શઠરાયનું નામ સાંભળી, શઠરાયની અાજ શી અવસ્થા થઈ છે તે સંભારી, ગઈ કાલના બુદ્ધિધન ને આજના બુદ્ધિધન વચ્ચે ઘણું અંતર પડ્યું હતું તેનું ભાન અાણી, અલકકિશોરી હવે જુદી થઈ છે તે જોઈ પ્રમાદધનનું કાંઈ નીપજી શકે એમ ન હતું તે લક્ષમાં અાણી, અને કુમુદસુંદરીનું ઘરમાં કેવું ચલણ થયું હતું તે અનુભવથી જાણેલું હતું તે સ્મરી, દુષ્ટ કુલટા નરમ પડી, પરસેવાથી ભીંની થઈ અને ધીમે ર્હી બોલી:
" વારું, હવે મને જવા દેઈશ ? ”
" વચન આપ કે હવે પાછી અા ઘરમાં નહી આવું.”
" મને કોઈ બોલાવે તો ? ”
" ના, બોલાવે ત્હોય નહીં."
“ એવું વચન તો ન અપાય.”
" ત્યારે જવાનું યે ન થાય.”
" મને શું કેદ કરવી છે ? એમ હોય તો તે ક્હો. હા બાઈ.”
કુમુદસુંદરીયે વિચાર કર્યો કે આ નકટીની સાથે શી રગઝગ કરવી ?–એના હાથને અડકવું એ ન જોઈએ. હાથ મુકી દેવા જતી હતી. પણ પતિને સુધારવાનો સ્વાર્થ સાંભર્યો.
“ જા, જા. ત્હારા વચન ઉપરે શો વિશ્વાસ ? તું વચન આપે તે યે સરખું ને ન આપે તે યે સરખું. પણ એટલું કહું છું કે તને ત્હારો જીવ વ્હાલો ન હોય તો અા ઘરમાં પગ મુકજે. જા.”
હાથ છોડી દીધો અને કૃષ્ણકલિકા ગઈ. કુમુદસુંદરી પોતાની મેડીમાં આવી. પ્રમાદધન ટેબલ પર ઉંધું માથું મુકી બેસી રહ્યો હતો. કુમુદસુંદરી આવી તે જાણ્યું પણ માથું ઉંચું ન થયું. કુમુદસુંદરી ચારેપાસ જોતી જોતી અંદર આવી, પ્રમાદધનને જોયો પણ બોલી નહી, અને રસ્તા પર બારી પડતી હતી ત્યાં આગળ અાંખે હાથ લેઈ ઉભી. એટલામાં રસ્તા ઉપર બુમ સંભળાઈ; પાછી ફરી જુવે છે તો આગાડી એક જણે તોલડી ઝાલેલી, વચ્ચે ઠાઠડી ઉપર મડદું અને મડદું ઉચકનાર સિવાય પાછળ માત્ર દશ પંદર માણસો – જે શઠરાયનાં અડીને સગાં હતાં. મડદું દુષ્ટરાયનું હતું અને તેનું નામ દેઈ રોતી કુટતી તેની સગી સ્ત્રીયો પાછળ આવતી હતી. ખલકનંદા પણ હતી અને અત્યંત રોતી દેખાતી હતી. રૂપાળી ન હતી. શઠરાય કરવત૨ાય કોઈ ન હતા.