આ વિચારમાંને વિચારમાં દુઃખી અબળાનું હૃદય ભરાઈ આવ્યું. અચિંતી બારી આગળ ગઈ અને કેવડો તથા સાંકળી બન્ને વાનાં રોષથી – જોરથી – કૃષ્ણકલિકા ઉપર રસ્તામાં ફેંક્યાં અને એકદમ પાછી માંહ્ય આવી. અને મેડી વચ્ચોવચ ભાંય ઉપર બેસી ઢીંચણપર હાથની ક્હાણીયો મુકી અાંખે બે હાથ દેઈ નિર્ભર રોવા લાગી. પ્રમાદધન પળવાર તે જોઈ રહ્યો – તેને મનાવી નહી – ખંડિત પત્ની વધારે ખંડિત થઈ — તેને ઓછું અાવ્યું. મનમાં રોતી હતી તે ખાળી ન રખાયાથી સંભળાય એમ મોકળું મુકી રોવા લાગી. સારે ભાગ્યે ઘરમાં કોઈએ સાંભળ્યું નહી. પ્રમાદધનને તેના મિત્રે શીખામણ દીધી હતી કે સ્ત્રીયો રુવે તે તો ઢોંગ – એવું સ્ત્રીચરિત ગાંઠવું નહીં. તે બારી આગળ ઉભો ઉભો સર્વ જોઈ રહ્યો.
ન રહેવાયું અને કુમુદસુંદરીયે ભોંય પર માથું પછાડ્યું. દૈત્યને દયા અાવી. પ્રમાદધનનું અંત:કરણ ઓગળ્યું. પાસે આવ્યો. “આ શું છે બધું ?” કરી કુમુદસુંદરી પાસે બેઠો. તેનું માથું ખોળામાં લીધું. પવિત્ર સ્પર્શે પવિત્ર વિચારને જન્મ આપ્યો. “હું અપરાધી છું” એ બુદ્ધિ પ્રમાદના મસ્તિકમાં ઉપજી, “શું થયું ? શું છે ?” એવું એવું પુછવા લાગ્યો. પતિના અંત:કરણમાં પોતાને વાસ્તે કાંઈક અવકાશ છે – પતિ સુધરે એમ છે : આ વિચારથી પતિવ્રતાના હૃદયમાં ધૈર્ય અાવ્યું ! અાંસુ લોહ્યાં; અને “કાંઈ નથી – કાંઈ સહજ” અર્ધ ઉત્તર આપી તેની બાથમાંથી છુટી એક ખુરસી પર જઈને બેઠી.
ચાકરોને હાથે ઉછરેલો, ખુશામતીયા તથા ભ્રષ્ટ મિત્રોએ સ્વાર્થ સારવા નીચ માર્ગ દોરેલો, બુદ્ધિહીન, અને અકાળે સ્વતંત્ર થવા પામેલો, પરંતું પવિત્ર સંસ્કારો ભરેલી હવાથી કેવળ અજાણ્યો ન રહેલો, બુદ્ધિધન અને સૌભાગ્યદેવી જેવાંનો પુત્ર અંતે ઘડીક કુળ ઉપર ગયો. વિમાનના પામેલી પત્નીની આસનાવાસના કરવા લાગ્યો. તે ન બોલી તેમ તેમ તેને વધારે બોલાવવા લાગ્યો. આ નિમિત્તે – તે નિમિત્તે - વાતચીતને પ્રસંગ ક્હાડી ક્હાડી તેને બોલાવવા લાગ્યો. કંઈ કંઈ પુછવા લાગ્યો. કંઈ કંઈ ક્હેવા લાગ્યો. માત્ર મૂળ વાત ક્હાડી નહી - ડાહી સ્ત્રીયે ક્હડાવી નહી. પતિ સુધરે એમ છે – તેને શી રીતે સુધારવો એટલા જ ઉત્સાહક વિચારમાં પડી.
એટલામાં તો પ્રમાદધન કંઈ કંઈ વાતો કરી ગયો. દરબારના સમાચાર, પોતાને પગાર થવાની વાત, આજ પોતાને લીલાપુર જવાનું હતું તે ખબર, ખરેખરું જોતાં રામભાઉવાળા કારણથી પણ બ્હાર ક્હેવામાં મુહૂર્ત ન આવ્યું એ કારણથી દરબાર આજ ભરવો બંધ રાખ્યો એ વર્તમાન,