નવીનચંદ્રની ગોઠવણ, પિતામહનું જુનું ઘર ગમે તેટલું દ્રવ્ય ખરચી વેચાતું લેવું એવી દયાશંકરકાકાની સૂચના અને તે ઘરને ઠેકાણે માતુ:શ્રીના નામનું શિવાલય કરવું એવો પિતાનો વિચાર થયો હતો તે આ અને એવા કાંઈ કાંઈ વિષયોનું પુરાણ પ્રમાદધન કહી ગયો. માથું નીચું રાખી, વિચારમાં પડેલી કુમુદસુંદરીયે કશી વાત સાંભળી નહીં. માત્ર નવીનચંદ્રની વાત કરી ત્યારે પાંપણો જરીક ઉંચી કરી વાર્તા ઉપર ધ્યાન આપ્યું. વાર્તાની અસર એટલી થઈ કે કુમુદસુંદરી શાંત પડી. અંતે વાર્તા થઈ ૨હી એટલે આળસ મરડી ઉંચું જોવા લાગી અને પોતાને પ્રસન્ન કરવા ઈચ્છતા પતિ ઉપર પ્રસન્ન થઈ ઉઠી.
ઉઠતાં ઉઠતાં પતિ ઉપર પ્રેમ ઉપજ્યો. “ના, એ તો એ રાંડના જ વાનાં, મ્હારા પતિ તે બીચારા ભોળા છે ” આટલો વિચાર કરી પતિની ભોળાઈ પોતાને પ્રસન્ન કરવાની તેની આતુરતા, મનાવતાં સુકાઈ જતું તેનું મ્હોં, એવું કંઈ કંઈ જોઈ વિચારી દયા આવતાં ઉમળકો આવતાં પોતાના કોમળ માંસલ ભુજવડે પતિને કણ્ઠાશ્લેષ દીધો અને પોતાની પવિત્રતા તેનામાં સંક્રાંત થઈ માનવા લાગી.
અાર્યા ! લગ્નોચ્છેદક ધર્માસન[૧]આપે તેના કરતાં વધારે સુખ પ્રાપ્ત કરવાની શક્તિ ત્હારા આર્ય હૃદયમાં છે ! એ ધર્માસનનું સુખ અનાર્ય લોકને જ હજો !
પતિનું અંત:કરણ શુદ્ધ કાચના જેવું નિર્મળ અને પારદર્શક થઈ ગયું હોય તેમ તેને જોતાં આનંદ પામતાં તેમાંથી કૃષ્ણકલિકાને સમુળગી ભુસી નાંખવા મનસ્વિનીયે પ્રયત્ન કર્યો.
પ્રસન્ન થયેલા પતિની સાથે નિર્દોષ વિભ્રમનો વિનોદ અને વિનિમય કરતાં અને પામતાં જણાઈ ન પડે એવી રીતે બે વાતો વચ્ચે કહી દીધી.
“આ રાજેશ્વરમાં રાણાજી અને પિતાજી મળ્યા હતા તે વાત શઠરાયને ત્યાં કૃષ્ણકલિકાએ પ્હોંચાડી હોં ! એ તો શઠરાયની ભેદુ થઈને આપણા ઘરમાં આવતી હતી. જમાલવાળી વાત એને " પ્રથમ થી ખબર હતી !”
આ સમાચારથી ચમકેલા પતિમસ્તકમાંથી કુટુંબવૈરિણી એકદમ નીકળી ખસી ગઈ હોય એવું બુદ્ધિમતીને સ્પષ્ટ લાગ્યું.
પતિના દક્ષિણ હસ્તથી વીંટાયલું છુટા થયેલા કેશપાશવાળું કમળપુટ જેવું મસ્તક ઉંચું કરી ગુણસુંદરીને મળવા ભદ્રેશ્વર જવાની અનુમતિ માંગી
- ↑ ૧- છુટાછેડાની કેાર્ટ. Divorce Court.