પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦

અા સ્વપ્નમાંથી નિદ્રાસ્વપ્નની સૃષ્ટિવચ્ચોવચ ઉભો. રાજેશ્વર મહાદેવના વાડા જોડે ઓટલા ઉપર શરદ પુનમની રાત્રે સૌભાગ્યદેવી જોડેના તલાવમાં નાચતું ચંદ્ર પ્રતિબિમ્બ જોઈ રહી છે, અને સાથે જ બેસી , વાનપ્રસ્થ બુદ્ધિધન પતિવ્રતાને સમજાવે છે: “ પ્રિય દેવી, આ રમણીય પ્રતિબિંબ જેવો જ તને આપણો સ્નેહ - સંસાર નથી લાગતો ? જો, પાણીપર કરચલીયો, વળે છે તેમાં એ પ્રતિબિમ્બની લેખા દેખાય છે ! પણ આખું પ્રતિબિમ્બ દેખાય છે અને હાલે છે. અાપણો સંસાર પણ આવો જ છે. ખરું જોતાં પ્રતિબિમ્બ જુઠું છે, તે પણ જતું ર્‌હેવાનું: ખરો ચંદ્ર તો આકાશમાં છે: તેમ જ અા અાપણો સંસાર જુઠો છે, અને જતો રહેવાનો છે. ખરો સંસાર તો બ્રહ્મમાં છે – એ સંસારનું નામ મોક્ષ: મ્હારે ત્‍હારે અન્તે એ જ પામવો છે. દેવી ! તું અજ્ઞાન છે, પણ તું જેવી સુન્દર છે, ત્‍હારી કાન્તિ જેવી નિર્મળ છે, તેવું જ ત્હારું અન્ત:કરણ સુન્દર છે અને ત્‍હારી બુદ્ધિ નિર્મળ છે. પતિવ્રતા, ત્‍હેં એક જ યોગ સાધ્યો છે, તું એક જ જ્ઞાન પામી છે; ત્હારા જેવા સુન્દર પવિત્ર આત્માને વાસ્તે જ મોક્ષ છે - તું મોક્ષ પામીશ – તું બ્રહ્મરૂપ થઈશ !”

“દેવી, મ્હેં પણ ત્‍હારી જ સુરત – પરસ્તી[૧] કરી છે – હું પણ ત્‍હારી સાથે જ છું – તું બ્રહ્મમાં મળીશ અને ત્યાંયે હું ત્હારી સાથે જ ! દેવી, સર્વત્ર સાથે જ !”

અન્તર્માં અા સ્વપ્ન ચાલતું હતું તે સમયે મુખ ઉપર અન્ધારામાં સ્મિત ફરકતું હતું. સર્વ જગત પોતાનામાં સંકેલી દેઈ શેષશાયી અાનન્દમય નિદ્રા પામે તેમ સર્વ સંસારની ઈયત્તા આવા સ્વપ્નમાં સંભારી (સંભૃત કરી – સંભાર પેઠે ભરી) પોતાના બાલ્યથી આજ સુધીના પ્રયાસને અન્તે બુદ્ધિધન ઝાકળથી શીતળ થયેલા બાંક ઉપર સુતો સુતો અા આનન્દમય નિદ્રા પળવાર પામ્યો.

ભૂપસિંહ વાળું કરી રહ્યો કે એક જણ બુદ્ધિધનને બોલાવવા જતો હતો તેને ન જવા દેતાં ભૂપસિંહ પોતે જ ફુવારા પાસે માણસો સાથે ગયો. હજામે ફાનસ ઉચું કર્યું અને રાણાએ જુના મિત્રને નિદ્રામાં પડેલો દીઠો. જુવે છે એટલામાં જ નરભેરામ, નવીનચંદ્ર, વિદુરપ્રસાદ, અને જયમલ્લ અાવી પહોંચ્યા. નરભેરામ બુદ્ધિધનને ઉઠાડવા જતો હતો તેને રાણાએ અટકાવ્યો - “નરભેરામ, બુદ્ધિધન બહુ જાગ્યા છે – ઘણા વર્ષને અંતે અાજ સુખમાં સુતા છે. એમને સુખમાં સુવા દ્યો. ” ઓથારે ચાંપેલા માણસના હાથ છાતી


  1. ૧.કેાઈની મુખકાંતિ જ જોઈ ર્‌હેવાનો ઇસ્લામી યોગ.