લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧

ઉપરથી અચીન્ત્યા આઘા પડે અને ભયંકર સ્વપ્ન જતું ર્‌હેતાં જાગી તે સ્વસ્થ થાય તેમ બુદ્ધિધનની શીખામણથી ઘણા વર્ષથી સ્વભાવવિરુદ્ધ ધૈર્ય રાખી મનમાં ધુંધવાઈ રહેલો રજપૂત શઠરાય દૂર થતાં આજ સ્વસ્થ બન્યો હતો. લીલાપુરમાં પોતાના ન્હાના સરખા ઘરમાં આવી બુદ્ધિધન નીરાંતે બેસતો હતો અને સ્વતન્ત્રતા ભોગવતો હતો તેમ જ આજ પોતાના મ્હેલમાં કરતો તેને જોઈ રાણાએ પોતાના વૈભવને સફળ થયો માન્યો. જુના દિવસ સ્મરણમાં આવ્યા અને જેમ બ્હારનો ફુવારો શરીરને શીતળ કરતો હતો તેમ બુદ્ધિધન ઉપરની પ્રીતિનો ભરેલો ફુવારો ઉભરાઈ ઉઘડી અંતઃકરણને શીતળશીકરથી[] ન્હવરાવવા લાગ્યો.

“જયમલ, એમના માથા નીચે એ જાગે નહી એમ એક અશીકું ગોઠવ અને આપણે વાસ્તે આજ અહીયાં જ બેસવાની ગોઠવણ કર.”

આજ્ઞાનું પાલન તરત થયું. બુદ્ધિધનના માથા નીચે ધીમે રહી રેશમી અશીકું મુકી દેવામાં આવ્યું. રેશમી ગાદીવાળો કોચ રાણાને વાસ્તે આવ્યો. બીજાઓને વાસ્તે ગલીચો આવ્યો. રાણાની આસપાસ શુદ્ધ રુપેરી સોનેરી તેમ જ “ગિ૯ટ”વાળી અને કાચની વીલાયતી દીવીયો ગોઠવી દેવામાં આવી અને જુદા જુદા દીવાનો પ્રકાશ ફુવારાના ઉડતાં બિન્દુઓમાં ચળકવા લાગ્યો. રાણાએ કોચપર બેસી સોનેરી હુક્કાની લાંબી નળી મ્હોંમાં લીધી. સઉ આસપાસ ગોઠવાઈ ગયા. ચોબદારો અને ચાકરો ચારપાસ વીંટાઈ સ્તબ્ધ – અંદર અંદર ગુપચુપ વાતો કરતા - ઉભા રહ્યા. રાણાની આજ્ઞા થઈ અને એક તરુણ ગવૈયો આવ્યો, રાણાના સામો બેઠો, અને મ્હોંયે ગાયા વિના સતારનાં અતિ સૂક્ષમ સ્વરમાં ગાન ઉતારવા લાગ્યો. એક ચાકરે તાજાં ચિત્ર વિચિત્ર ફુલો, રુપેરી સંપુટો, થાળો, અને છાબોમાં ગોઠવી સર્વ વચ્ચે મુક્યાં અને તેની સુવાસના ચારેપાસ પ્રસરવા લાગી. આસપાસના બાગમાંથી અને પાસેના પાત્રોમાંથી પુષ્પોના પરાગ અને સુવાસથી પ્રકુલ થયેલો, ફુવારાની નીચે કુંડામાં ટપકતાં બિન્દુઓના અને સતારના મિશ્રિત સુસ્વરને પોતાનો કરી લેતો, શીતલતાને – કુંડમાંથી ઉપાડી લેતો – ફુવારાના વર્ષાદમાંથી અદ્ધર ચોરી લેતો – ઝાકળમાંથી પી જતો – અને આકાશમાંથી ઘસડી આણતો અનેક સ્થાનથી શૂંડમાં એકઠું કરેલું પાણું હાથી પાછું એક સ્થાને વર્ષાવે તેમ સુવાસ સુસ્વર – અને શીતલતાને મનુષ્યસૃષ્ટિ ઉપર સાથે લાગાં વર્ષાવતો અનેક ઝાડનાં પાંદડાંને હલાવી ખખડાવી અંધકારમાં પણ પોતાની સત્તા છે એવું માનવીના કાનને ગર્વ સાથે ક્‌હેતો, ઉંચા ગગનમાં પણ મ્હારી આણ વર્તે છે


  1. ૧.પાણીના ઉડતા છાંટા.