પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૩

કીયે દહાડે ન્યાયનું ધોરણ રાખે છે જે ! મ્હારી પ્રજામાં વિશ્વાસનાં પાત્ર મળતાં તેમને અધિકાર સોંપતાં, હું આંચકો ખાઉં તો હું ઈશ્વરનો અપરાધી."

“શઠરાયના પક્ષમાં દેખાતાં બધાં માણસ એના પક્ષનાં નથી. એનો વિવેક એમ થાય કે છેક ટોચ વિના બાકી ર્‌હેતાં સર્વ માણસોને છે એમનાં એમ જ રાખવાં અને સખત સાવચેતી આપવી કે ભૂતકાળ ભુલી યોગ્યતા પ્રમાણે તેઓપર વિશ્વાસ રાખવામાં આવશે. એની સંપત્તિમાં એના પક્ષમાં દેખાતાં હતાં તે સર્વે હજી એના પક્ષનાં રહેશે જ એ કલ્પના બળવાન નથી, પેટને અર્થે એનાં થએલાં માણસ પેટને અર્થે મ્હારાં થશે. મ્હારે જાતે તેમનું કામ નથી – જાતે તેમનો ડર નથી. તેનાંયે નહી –મ્હારાંયે નહી – ભૂપસિંહનાં માણસ બને તો બસ.”

“અધિકારના શિખરનાં માણસો સારાં થાય એ સાવચેતી જાતે રાખશું તે નીચેનાં માણસ અનુકરણ કરશે જ. સારાશનો પ્રતાપ તેમને લાગશે જ.”

“અધિકાર સોંપતી વેળા વિશ્વાસનો સંબંધ – પછીથી તેમના ગુણદેાષનો જ સંબંધ રાખવો. આટલી પ્રીતિ રાખનાર રાણાને આ સમયે છોડી દેવા – એ અપકાર ક્‌હેવાય. એનાં રાજયચક્ર બરોબર ગોઠવાઈ ચાલે પછી હું ક્યાં સ્વતંત્ર નથી ?”

આ વિચારની સાથે આંખ ઉઘડી અને જુવે છે તો નવીન જ દેખાવ ! સુતો ત્યારે તો આમાંનું કાંઈ ન હતું ! આ સર્વે માણસ, રાણો, આ સર્વે ઠાઠ, દીવા – આ શું ? હજી સ્વપ્ન તો ચાલતું નથી ? એ ભ્રાંતિથી આંખો ચોળતો બેઠો થયો અને ચારે પાસ જોવા લાગ્યો. રાણાના સ્નેહનો આવિર્ભાવ કળાતાં અમાત્યઉરમાં પ્રતિધ્વનિ થયો. હુક્કાની નળી મ્હોંમાંથી ક્‌હાડી રાણાએ પુછ્યું : “કેમ, બુદ્ધિધન, જાગ્યા ? નિદ્રા ઠીક લીધી.”

આભો બનેલો બુદ્ધિધન ઉભો થયો : “જી, આપ ક્યાંથી અંહીયાં ?"

“તમે સુતા હતા એટલે જગાડ્યા નહીં. અમે પણ સઉ અંહીયાં જ બેઠા કે અહુણાં જાગશે. આવો બેસો.” – પૂર્વાવસ્થાનો અભ્યાસ સંભારી પોતાની સાથે કોચ ઉપર જગા બતાવી. બુદ્ધિધન કોચ પર હાથ દેઈ નીચે જ બેઠો અને સાન કરી. ચાકર – વર્ગ દૂર ખસી ગયો.

ચારે પાસ જોતાં એકાંત લાગ્યું એટલે વિશ્રંભકથાનો આરંભ થયો. રાણાએ પુછ્યું.