પોતાને જ પૂર્ણ સત્તાવાન દેખી – પોતાનાથી કોઈને મ્હોટું ન દેખી – વધારે મ્હોટા થવાનો લોભ ન કરે અને આત્મસંતુષ્ટ થાય. આત્મસંતુષ્ટ થયો તેનો લોભ મરે - તેના તરફથી ભીતિ પછી ર્હે નહી. બીજુંઃ શત્રુને સંન્યાસી જેવો કરી દીધો એટલે તે નિ:સ્પૃહી અને નિર્બન્ધન થાય – તેના જેવો ભયંકર શત્રુ કોઈ નહી. પોતાનું સારું તો કરે કે ન કરે પણ પારકાને નુકસાન તો તે કરી શકે જ. અાથી મ્હારા મનમાં એમ છે કે શઠરાયની પાસે તેનું ગામ ર્હેવા દેવું પણ જુની સનદ લઈ લેવી અને નવી આ૫વી. તે એની જાતને જ કરી આપવી અને અંદર લખવું કે તે પોતે આપને સંતોષ આપશે તો તેને વંશપરંપરાની નવી સનદ કરી આપવામાં આવશે. વળી એવી સરત કરવી કે તેણે અને કરવતે એ જ ગામમાં વસવું અને તેને આબાદ કરવું, રજા સિવાય ગામ છોડવું નહી, અને રાજયપ્રપંચમાં પડવું નહી. ગમે તેવો હશે તોપણ ઉદર–સ્વાર્થથી બન્ધાશે, એ બન્ધનમાંથી છુટવાનું જેખમ નહી વ્હોરે, સદૈવ બ્હીતો રહેશે, અને આપણે વશ ર્હેશે. ઈશ્વર એને વ્હાલા તો નથી જ પણ વ્હાલા હશે તો ઉપકાર માનશે. લોકમાં આપની ક્ષમાની પ્રશંસા થશે. રામભાઉ કે સાહેબ કે કોઈને પણ બોલવાનું નહી ર્હે. પ્રતિપક્ષી વર્ગ સર્વશાન્ત પડશે અને આપની કૃપાને અશક્ય નહીં ગણે. અને મ્હોટા માં મ્હોટી વાત એ કે ઈશ્વર આપના ઉપર પ્રસન્ન ર્હેશે. કાર્યસિદ્ધિ થાય; ઉદ્દીપન પામેલું વેર શાન્ત થાય; અાત્મા, લોક, અને ઈશ્વર સંતુષ્ટ થાય – એથી બીજું ફળ કીયું ?”
૨ાણો ઓઠ કરડી બેસી રહ્યો હતો. તે સર્વ સાંભળી રહ્યો, વિચારમાં પડી ગયો, અને અન્તે શાંત થયો: “વારુ, ભાઈ કહે તે ખરું; ઠીક છે; એમ કરો. "
“ક્ષમા અને ડહાપણને મિશ્ર કરી કાર્યસિદ્ધિ શોધે તે પ્રધાનને ધન્ય છે - ડાહ્યા અને વિશ્વાસપાત્ર પ્રધાનને વશ પોતાની વૃત્તિ રાખે એ રાજાને ધન્ય છે !” - નવીનચંદ્રના ચિત્તમાં વિચાર - ઉર્મિ ઉઠી: "અાવી–સ્વતંત્ર–તોફાની વૃત્તિવાળો રાજા પળવારમાં બાળક પેઠે ડહાપણને વશ થયો ! – સર્વ રાજાઓ આવા હતા હશે ? એમ હોય તો જોઈએ જ શું ? રાજાઓ ગમે તો પોતાનાથી વધારે ડહાપણ કોઈનામાં જોતા જ નથી, અથવા તો પોતાના અથવા પારકાના ડહાપણનો વિચાર જ ન કરતાં ઉંધે છે એવું વાંચ્યું છે – એનાં દ્રષ્ટાંત પણ જગતમાં હશે જ. ઈશ્વરે – માણસ અને માંકડાં – ઉભય સર્જેલાં છે.”
નરભેરામે કહ્યુંઃ “ભાઈસાહેબ, એ તો આપે સારાઈને માર્ગ શોધી