લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૭

કહાડ્યો – પણ હું ખાતરીથી કહું છું એ લોક એનો અર્થ એમ જ લેવાના કે એમને શિક્ષા કરતાં આપણે ડરીયે છીયે અને એ શિક્ષાપાત્ર છે. એવું સ્પષ્ટ બતાવી આપવા આપણે અશક્ત છીયે.”

બુદ્ધિધન હસ્યોઃ “નરભેરામ, એટલો પણ વિચાર નહી કર્યો હોય ? પ્રમાદ અને તર્કપ્રસાદ ગયા છે તે રસલસાહેબ પાસે સર્વ વાત રજેરજ ઉઘાડી કરી દેશે એટલે સામી ખટપટનો પાયો ભાંગ્યો સમજવો. સાહેબને આપણાપર વિશ્વાસ છે અને નવા સાહેબ આવશે તેમને સર્વ વાત કરી મુકશે. પછી થવા દ્યો જેનાથી જેટલી થાય તેટલી ખટપટ. રામભાઉને હળવે હળવે સીદ્ધો કરી દેવો પડશે – એને તો ગમે તેમ ભરી પીશું. શઠરાયનું એ કરવાનું કે લીલાપુરમાં અને બીજે બધે ઠેકાણે એની કળા થાકશે ત્યાં સુધી એને છે એમ ને એમ જ રાખવામાં આવશે અને જયારે એ જાણશે કે હવે મ્હારા હાથ નીચા પડ્યા અને કાંઈ દાવ હાથમાં નથી જ ત્યારે - એની ઈચ્છા હશે તો જ – એ ચરણે પડી, માગશે તો જ - રાણાજી કૃપા કરશે. સુવર્ણપુરના મહારાજની કૃપા કાંઈ રસ્તામાં નથી પડી. શિક્ષા અને ક્ષમા ઉભય કાર્ય એમને આવડે છે તે જગત જોશે જ. એવા એવાથી ડરતાં રહેવું એ મહારાણા સમજતા નથી.”

ભૂપસિંહ ટટ્ટાર બેઠો, પ્રસન્ન થયો. એનો ક્ષાત્રઉદ્રેક સંતુષ્ટ થયો, અને અમાત્યપર સ્નેહભરી ઉત્સાહભરી ચળકતી અાંખે મુછે હાથ દેતો જોવા લાગ્યો. સર્વને આત્મોત્કર્ષક વચનની અસરમાં જ કાંઈક ઐન્દ્રજાલિક[]માયા છે.

નવીનચંદ્ર અા નવીન નાટક જોઈ જ રહ્યો. રાણો અમાત્ય–બુદ્ધિને પ્રતિકૂળ થતો પ્રથમ અટક્યો હતો પરંતુ કાંઈક અનિચ્છાથી અટક્યો હતો. નરભેરામ તે અનિચ્છાને વધારે એવા શબ્દ બોલ્યો. બુદ્ધિધનના શબ્દથી તે અનિચ્છા વધતી અટકી એટલું જ નહી, પણ વાયુના અચીંત્યા ઝપાટાથી માર્ગપરની ધુળ સાફ થઈ જાય તેમ અમાત્યના અચીંત્યા ઉત્તેજિત પ્રતિભાનથી રાણાની મૂળની અનિચ્છા પણ અદ્રશ્ય થઈ ગઈ. એથી પણ વધારે એ થયું કે અમાત્ય મ્હારે જ અનુકૂળ માર્ગે કામ કરશે એવી રાણાની ખાતરી થઈ સેવ્યજનની ચિત્તવૃત્તિને અનુકૂળ કેમ કરી દેવી અને અનુકૂળ કેમ દેખાવું એ બરોબર દેખાડી આપે એવું સેવક-બુદ્ધિનું આ પરાક્રમ જોઈ નવીનચંદ્ર અદ્દભુત આશ્ચર્યમાં પડ્યો. આશ્ચર્યતુલા ઠેકાણે આવતાં આ પરાક્રમ કરવાનો પ્રસંગ પાડનાર સેવકવૃત્તિની તેને દયા આવી. સેવ્યજનને


  1. ૧.જાદુભરેલી