લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૯

છે. આવો સારો રાજા અને આવો સારો પ્રધાન - તેની વચ્ચેયે અાવું થાય ત્યારે ઇશ્વરેચ્છા જ મ્હારા જેવા વિચારના સર્વ હોય તો જગત્ કેમ ચાલે ?"

વિચારનિદ્રામાંથી જાગ્યો અને પ્રત્યક્ષભણી અક્ષગણ (ઈંદ્રિય-સમૂહ) વળ્યો. “સેવ્યસેવક પોતાને અને પરસ્પરને અન્યોન્યસમાન અને સ્વતંત્ર માનવી ગણી, ઈચ્છાને દર્શાવે અને અનુસરે તેમ કયાં નથી થતું ? મિત્રો અને શુદ્ધ દંપતી શું કરે છે ? શું સૌભાગ્યદેવી બુદ્ધિધન પાસે સ્વરૂપ ઢાંકે છે? સ્વતંત્ર નથી ર્‌હેતી? અને તેમ છતાં પતિની ઇચ્છાને નથી અનુસરતી ? શું બુદ્ધિધનની સત્તા તેને સવાસલાં કરવાની જરુર પાડે છે ? એમ છતાં શું એની ઈચ્છાને અનુસરતાં દેવી પાછળ ર્‌હે છે ?-ના, કા૨ણ ઉભયની ઈચ્છાએ સંગત થાય છે – પતિનાથી જુદી ઈચ્છા પત્નીની થતી જ નથી અને થાય છે તો તે બેધડક મીઠાશથી ઉઘાડી કરે છે અને અંતે એક ઈચ્છા થાય છે. શું સેવ્ય–સેવકોમાં પણ એમ ન થઈ શકે ? આ નાટક અમાત્યે ન કર્યું હત તો ન ચાલત ! એ નાટક વિના કાર્યસિદ્ધિનો બીજો માર્ગ શું ન હતો ? – પણ – પણ ભય અસત્યને જન્મ આપે છે- માબાપનો ત્રાસ બાળકને અસત્ય બોલતાં શીખવે છે – સેવ્ય જન અપ્રસન્ન થશે એ ભય સેવકને અસત્ય કરી દે છે. સત્યથી, અપ્રસન્ન થાય એવો સેવ્ય – અને ભય પામે એવા સેવક–ઉભય અનિષ્ટ છે "

અનુમાનનો એ ઉપસંહાર થતાં અંતઃસ્વપ્ન અદ્રશ્ય થયું. આ સર્વ મનમાં વિચારતાં વિચારતાં શૂન્ય અક્ષથી પ્રત્યક્ષને લક્ષ્ય કરતો હતો તેને ઠેકાણે અક્ષ-પ્રત્યક્ષનો શુદ્ધ સંયોગ થયો અને અક્ષદ્ધારના છજામાં મન પણ આવીને બેઠું. કારભારીની વાર્તા નવીનચંદ્ર જોવા સાંભળવા લાગ્યો.

વિચારોને શાન્તિશય્યામાં સુવાડતાં સુવાડતાં તપ્ત મસ્તિક કપાળે કરચલીયો રચી વળી અંતગર્જના કરી ઉઠ્યું: “સેવ્ય જનો ! બોલતાં, ચાલતાં, કાંઈ પણ કરતાં, પ્રતિપળ લક્ષમાં રાખજો – ભુલશો નહીં – કે તમારા ક્ષુદ્રમાં ક્ષુદ્ર સેવકો પણ તમારા જેવા જ માનવી છે - તમારા જેટલી જ સ્વતંત્રતાના વારસ છે – તમને ઈશ્વરે ઉપલે માળ બેસાડ્યા તે નીચલા માળવાળાને કચડી નાંખવાને નહી ! ” “ સેવકોને શ્વાનની પેઠે નહી પણ હસ્તીની પેઠે રાખજો[]" –“સેવકો, ઉદરને નિર્ભય


  1. *लाड़्गूलचालनमधश्चरणाचपातं भूमौ निपत्य वदनोदरदर्शनं च ।
    श्वा पिण्डदस्य कुरुते गजपुङ्गवस्तु धीरं विलोकयति चाटुशतैश्व भुङ्क्ते ॥
    भर्तृहरि