પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦

રાખવા કરતાં પણ બીજા ગુરુત્તર ધર્મ તમારે છે – સેવકધર્મમાં જ સર્વે ધર્મની સમાપ્તિ થતી નથી – સેવક ધર્મ સાચવવા એ પળવાર ઉદરનિમિત્તે તમારો ધર્મ થયો માટે અન્ય સનાતન ધર્મ નષ્ટ નથી થતા !”

વિચારોનો હવે ખરેખરે અંત આવ્યો. ઉછળતી ઉર્મિ કીનારાપર ૫છડાઈ શાંત થઈ ગઈ.

આ વિચાર થયા એટલામાં તો રાણા અને અમાત્યાદિ વચ્ચે કંઈ કંઈ વાતો થઈ ગઈ શઠરાયનું શું કરવું તે નક્કી થઈ ગયું. ખલકનંદા અને રુપાળીની વાત પડદા રાખી નરભેરામે કરી - અમાત્યે તે વાતમાં ભાગ ન લીધો. જમાલના ઉપર ધર્માસન આગળ કામ ચલવવામાં લાભ ન હતો – કામ ચલવી શિક્ષા થાય તેમાં પણ કાંઈ લાભ ન હતો. ધર્માસન આગળ, લોક વચ્ચે, અથવા વર્ષ બે વર્ષની કેદમાંથી – છુટી કોઈની પાસે પણ, મુસલમાનને અમાત્યપુત્રીનું નામ પોતાના મલિન મુખ ઉપર આણવાની સ્વતંત્રતા અંતે કદી પણ આવે તે અભિજાત આર્યને સર્વદા અનિષ્ટ જ હોય એમાં કાંઈ નવાઈ ન હતી. ગમે તેવું પણ મહારાણાનું અંતઃપુર, તેની વાર્તાયે બહાર જાય એ પણ અનિષ્ટ જ. રઘી, મ્હાવો અાદિ મંડળને પણ દેખીતી શિક્ષા ન કરવાનું અાવું કારણ હતું. રણજીત અમાત્યનું માણસ હતું. તેને શિક્ષા કરવી અયોગ્ય હતી. જુના કાળની સુરંગની માહીતી શઠરાયને હતી તેમ જ શુક્રાચાર્ય રણજીતને પણ હતી. રણજીતની પાસેથી એ વાત જાણતાં રાણીનું ચિત્ત ભરવનારનો પત્તો અમાત્યને લાગ્યો – કારણ સુરંગનું મ્હોં અંતઃપુરમાં હતું. આ ભેદ જાણી ઉઘાડો કરવાનો તેણે માર્ગ શોધ્યો જમાલ વગેરે શઠરાયના મંડળને એ સુરંગમાં મોકલ્યા; તેમને તથા તેમની જીભોને વશ રાખવા તેમ જ પાપશંકા પોતાની મેળે જ ઉત્પન્ન થાય એ બેવડા હેતુથી – અંતર્થી પોતાના પણ બ્‍હારથી શઠરાયના - રણજીતને ઉઘાડી તરવાર સાથે અા મંડળમાં અગ્રેસર કર્યો. સુરંગમાં તેણે પોતાનું રૂપ પ્રકાશ્યું અને કંઈપણ શબ્દ બોલશો તો આ તરવાર સાથે કામ છે એવું તેણે સર્વને કહ્યું. ગોઠવણ પ્રમાણે સુરંગની છત ત્રુટી અને અંતનું સર્વ મંડળ – કોઈને એક શબ્દ બોલવાનો અવકાશ આવે તે પ્‍હેલાં - વિજયસેનના હાથમાં ગયું. નિઃશબ્દ નાટક જોનારાઓએ દેખાવ ઉપરથી થયાં તે અનુમાન કર્યા. જુની સુરંગ, તેનું રાણાના અંત:પુરમાં મ્હોં, દ૨બારની – રાજમ્હેલની – સર્વ જુની વાર્તા જાણનાર અને તેનો ઉપયોગ કરવાની શક્તિ ધરાવનાર રાજ્યપ્રપંચનો અનુભવી આચાર્ય શઠરાય, ઉઘાડી તરવારવાળો રણજીત અને બીજાં શઠરાયનાં જ જુનાં વિશ્વાસુ માણસો એ સુરંગમાંથી આમ નીકળે, પોતાની સત્તા રાણાની ઈચ્છાથી એાછી થાય છે એવું શઠરાય જાણે છે એવી લોકખ્યાતિ, તેના