અને શ્વેત મેઘામ્બરથી આકાશ-સખીને શણગારી હતી અને ચંદ્રમા અા સજ્જિત નાયિકા સાથે નિરંકુશ વિહાર કરતો હતો. તે સમયે અગાસીમાં એક ગાલીચા ઉપર તકીયો નાંખી વિદ્યાચતુર તેપર પડ્યો પડ્યો ચંદ્રભણી જોયાં કરતો હતો અને કાંઈ ઉંડા વિચારમાં પડ્યો દેખાતો હતો. ગુણસુંદરી તેના ખોળામાં માથું મુકી, તેને હાથ પોતાના હાથમાં રાખી, ચતી સુતી સુતી આકાશમાં ચંદ્ર છતાં પતિમુખચંદ્ર ઉંચી દ્રષ્ટિએ ન્યાળ્યાં કરતી હતી. આ મૌનવિહાર કેટલીક વાર ચાલ્યો એટલામાં રસજ્ઞ, પતિના મુખમાંથી–હૃદયમાંથી અચિંત્યું મધુર ગાયન નીકળવા માંડ્યું.
- “અડોઅડ કપોલ લાગી રહેલ;
- “મન્દ અતિમન્દ શી ગોષ્ટી[૧] મચેલ !
- “નહી પૂર્વાપર કાંઈ ગણેલ,
- “મુખે કાંઈ એમ લવંતાં ગેલઃ
- “આલિંગન-અશિથિલ-થી રહી ચાંપી કર અક્કેક,
- “ગમત-સ્વપ્નમાં એમ નિશાના પ્રહર ન જાણ્યા છેક ! [૨]...૧
- "હસતું ત્યાં શિશુસમું મુગ્ધ પ્રભાત
- “આવી ઉભું રહેતું નયનની પાસ
- "અચિન્ત્યું ! જલવાતો શ્રૃંઙ્ગાર
- “ છુપાતો લપ્પાઈ તુજ ગાલ !
- "ગોષ્ઠીસુખ સુંતું નયનની જ માંહ્ય !–પ્રિયે તે !”...ર
અાના પ્રત્યેક પદના છેલા સ્વરોના પ્લુત ઉચ્ચાર આકાશમાં અને મુગ્ધાના કાનમાં તથા હૃદયમાં ઉંચા ચ્હડી, મોહનમંત્રપેઠે સર્વ આત્મવશ કરી, ધીમે ધીમે કૃતકૃત્ય બનતા હોય તેમ આનંદ-ભર મંદ પડતા પડતા નીચા બેસતા બેસતા, છેલામાં છેલા પદના અંત્યસ્વરમાં લીન થતા થતા વિરામ પામ્યા.
“વ્હાલા ! મને એ સમજાવો ! એ શું ગાયું ? ”
જરાક અચકી રસજ્ઞ બોલ્યો, “ત્હારાથી સમજાશે ? સમજાશે, સમજાશે.” એમ કહી કથાનો પ્રસંગ તથા ગાયનનો અર્થ સમજાવ્યો.