હતી – ઈશ્વરે ઉત્પન્ન કરી હતી. પણ તરત તો નવો જ અને અનુભવહીન પરદેશી તેને સ્વતંત્ર જગા આપવી બુદ્ધિધનને યોગ્ય લાગી નહી. આથી તરત તેને વિદુરપ્રસાદ સાથે લીલાપુર મોકલવો અને બેચાર માસ પછી કામમાં ભોમીયો અને લોકમાં પ્રખ્યાત થાય ત્યાર પછી વિદુરપ્રસાદને સુવર્ણપુર બોલાવી લેવો અને એ જગા નવીનચંદ્રને આપવી એવું બુદ્ધિધનના ચિત્તમાં હતું. રાણા પાસે દાખલ કરવાને રામભાઉવાળા વર્તમાનપત્રો વાંચવાને નિમિત્તે આજ એને આણ્યો હતો. પોતાનો માણસ છે એવી રાણાની ખાતરી કરી હતી.
ગરબડને તરત એની એ જ જગા પર રાખવો એવો વિચાર હતો. એણે રામભાઉને શળી કરી હતી કે: “આ સર્વના બદલામાં તું આ રાજયમાં કાંઈ માગી લે ! માગ્યું ન આપે તો લીલાપુરમાં ત્હારી સત્તા ચલાવવાની ધમકી આપ, માગ્યું આપે તો તે જગા પર આવ, અને પછી જાતે કારભારી થવાનું મ્હારું પોતાનું તો ગજું નથી પણ ત્હારા જેવા સત્તા અને મોભાવાળાને કારભાર અપાવવા સફળ શ્રમ કરી શકું એમ છે. બુદ્ધિધન એ જ માર્ગ અને મ્હારા આશ્રયથી ચ્હડયો એટલે હવે ગરજ સરી વૈદ્ય, વેરી જેવું કરે છે ૫ણ ત્હારા જેવાની સાથે મળી હું વેર વાળી શકીશ. તું એજંસી સાચવજે. રાણાનું અને મ્હારું અંત:કરણ એક છે.” રામભાઉને આ શીખામણ ગમી અને તર્કપ્રસાદ સાથે બુદ્ધિધન પર સંદેશો મોકલ્યો. એને દ્રવ્યનો ખપ હતો તો બુદ્ધિધનને અડચણ ન આવત પણ આ માગણી ભયંકર હતી. રામભાઉ ગરબડને બળે અને ગરબડ રામભાઉને બળે કુદે છે તે સ્પષ્ટ જણાતાં તેનો પ્રતીકાર શોધી ક્હાડ્યો. ભીતિનો માર્યો ગરબડ મથે છે જાણી તેની ભીતિનું કારણ દૂર કર્યું. તેના ઉપર વિશ્વાસ જણાવવા તેને ક્હાવ્યું: “પ્રાતઃકાળમાં શઠરાયના સમયનાં હીસાબી દફતર વીશે તમારી પાસે રિપોર્ટ માગવામાં આવશે અને તેમ કરવા પછી આગળ પણ તમારી સહાયતા જોઈશું: આપણા લાંબા પ્રયાસનું ફળ ભોગવવાનો શુભ અવસર આવે છે; એટલું કે આજસુધી તો અમારી ઇચ્છાથી સામા પક્ષમાં તમે દેખાયા પણ હવે અમારા પક્ષમાં ઉઘાડાં થવું પડશે અને અવિશ્વાસનાં સર્વ કારણ દૂર કરવાં પડશે. પોતાના અને પારકાઓનો વિવેક કરી યોગ્ય ફળ સર્વને અવિલંબે આપી દેવા રાણાજીની પ્રતિજ્ઞા છે. તમારે હવે સમય ચુકવા જેવું નથી.” રામભાઉને શો ઉત્તર મોકલવો તે શોધવાનું અને આખર ઉત્તર પહોંચાડવાનું ગરબડને માથે જ રાખવું એવો બુદ્ધિધને ઠરાવ કર્યો. પરંતુ ગરબડે ચકલી ઉરાડી ખરી – પણ પાછી બોલાવી શકશે કે નહી એ ચિંતા