રહી. રામભાઉ અને બ્હારવટીયા બેને એણે ઉશ્કેર્યા હતા - હવે તેમને ઠેકાણે લાવવા એ ગરબડની શક્તિ ઉપરાંતનું કામ છે એવું બુદ્ધિધને ભયસાથે ધાર્યું. બુદ્ધિધન આ વિચારોમાં હતો તેટલી વારમાં સાહેબ પાસેથી આવેલા એક બે પત્રોનું ભાષાંતર નવીનચંદ્રે રાણા પાસે કરી બતાવ્યું. બીજું સર્વ વાંચવાનું રાણાની આજ્ઞાથી મુલતવી રાખ્યું – રાણાને તેમાં કાંઈ સ્વાર્થ ન હતો. તે પાછો વિચારમાં પડી, અધીરો બની પુછવા લાગ્યોઃ
“બુદ્ધિધન, આ બધી ગોઠવણ તો થઈ હવે બીજી પરચુરણ ગોઠવણ તમે તમારી મેળે કરજો. મ્હારે માત્ર ત્રણ વાત જાણવાની છે: એક તો એ કે શઠરાયની વ્યવસ્થા કરવી ધારી તે કેવી રીતે પાર ઉતારવી - તે તો તમે ક્હો છો કે તર્કપ્રસાદ આવ્યા પછી થશે. ઠીક. બીજું એ કે તમને પોશાક આપવાનો – એ તો પ્રાત:કાળે પ્રથમ કામ રાખો. ત્રીજું તમે ક્હેતા હતા કે જગતમાં ઝળકી નીકળે એવાં કાંઈ કામનો આરંભ કરવો – એ પણ સારું કામ છે – એવો કાંઈ માર્ગ શોધી ક્હાડો કે જેથી આપણી નામના ચારે પાસ ફેલાય અને અમર થાય. એ ધીમે ધીમે જોજો. સાહેબ લોક નામનાથી જ વશ થાય છે.”
આમ અનેક વાતો કરતાં કરતાં રાત્રિ યુવાન બનવા લાગી અને તેના સબળ આષ્લેષથી દિઙ્મૂઢ બનતો સંસાર આંખો મીંચવા લાગ્યો. નિદ્રાએ રાણાને હાથ પકડી મદનવશ કરી અંતઃપુરમાં ખેંચી લીધો અને અંધ બનાવી અણગમતી રાણીને ભુજ-વશ કરવા મોકલ્યો. અમાત્ય, નરભેરામ, જયમલ્લ, અને નવીનચંદ્ર એક બે ઘોડાની ગાડીમાં બેસી અંધકાર સાગર તરી જવા ઈચ્છતા હોય પણ તેમ કરવાનો ઉપાય ન દેખતા હોય તેમ અંધકારમાં જ ગાડીવાનને વશ થઈ ગાડી સાથે અંધકારમાં લીન થયા. માત્ર આગળ ચાલતા સવારોના ઘોડાની ખરીયોના પડઘાના અને પોતાની તથા પાછળની ઘોડાગાડીયોના અવિચ્છિન્ન નિર્ઘોષ કાનપર પડતા હતા. એ સિવાય સર્વ ઇન્દ્રિયોને અન્ધકારે જ નિષ્ફળ કર્યા જેવું થયું.
નવીનચંદ્રના મનમાં ગર્જના થઈ ઉઠી: “અંધકાર ! અંધકાર ! સુવર્ણપુરની દીન પ્રજા ! ચાર ચાર કલાકની વાર્ત્તામાં ત્હારે સારું પા કલાકનો પણ અવસર ન મળ્યો. અથવા–તો મ્હારી જ ભુલ હશે. આ કામ પણ પ્રજાનું કેમ ન ક્હેવાય ? નઠારા કારભારીને ક્હાડવાનો પ્રયાસ તે પણ પ્રજાનું હિત જ.” આ ઠરાવ તેના મને બરોબર ન સ્વીકાર્યો.
ગાડીના ફાનસના દીવાનો ઝીણો પ્રકાશ ગાડીમાં આવતો હતો અને અંધકારના વિશાળ આભોગમાં છાનોમાનો લપ્પાઈ ગાડીમાં પ્રવાસ કરતો