પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૬

હતો. એ પ્રકાશનો એક કિરણ પાછળ બુદ્ધિધનનાં અાંખપર પડતો હતો. ગાડી મ્હેલમાંથી નીકળી રસ્તાપર ગડગડાટ કરતી ચાલી અને ઘોડાગાડી સાથે અદ્ધર ઉડતો હોય એવો આભાસ અંધકારે કલ્પનાને આપવા માંડ્યો એટલે બુદ્ધિધને વાત ક્‌હાડી. તેનો સ્વર અંધકારને ભેદી સર્વના કર્ણપટ સાથે અથડાવા લાગ્યો – અંધકારમાંથી જ નીકળતો હોય એમ લાગ્યું.

"નરભેરામ, જો, કાલે શું શું કરવાનું તે સરત રાખ. જાણે કે તર્કપ્રસાદ પ્રાત:કાળે આવશે અને ઈચ્છેલા વિષયોમાં સાહેબની અનુમતિ ઈશ્વર કરશે તો આવશે. રામભાઉને ના ક્‌હાવી નથી પણ તર્કપ્રસાદ ક્‌હેશે કે તમારી બાબત રાણાજીને ક્‌હાવ્યું છે અને મ્હોટી બાબતોની વ્યવસ્થા સાહેબની અનુમતિથી થઈ જશે એટલે કારભારીના હાથ નીચેની સર્વ નીમણુંકોનો વિચાર થશે તે પ્રસંગે તમારો વિચાર ઘણું કરીને થશે. વિચાર કશો કરવાનો નથી – પણ અત્યારથી ખરી વાત જણવવાની જરુર નથી. અાશામાં ને આશામાં એકાદ માસ કહડાવીશું, પણ અંતે લીલાપુરમાંથી નીકળી રામભાઉ સદાશિવને પન્થે પળે એ ઉપાય યોજવો પડશે. એ સાપ ઉછેરવા જેવો નથી – તરત છંછેડવા જેવો પણ નથી. એક મ્હોટી જગા થોડા દિવસ ખાલી રાખીશું એટલે એ જાણશે કે મ્હારે વાસ્તે જ રાખી છે. ગરબડ બાબત મ્હેં તને ક્‌હેલું જ છે. ત્‍હારે ઘેર ગયા પછી એને મળવું. બ્‍હારવટીયાનો બંદોબસ્ત કરવા વિજયસેનને સૂચના આપી હશે.”

“ હાજી,” નરભેરામ બોલ્યો; “ શઠરાયના કેટલાક મિત્રો પણ એ ખટપટમાં છે. જુલમ કર્યો છે – છ કલાકમાં આટલું ૨મસ્તાન મચાવી મુક્યું છે. લીલાપુર પણ સર્વે સમાચાર પહોંચ્યા હશે. ”

“શઠરાયનો સાળો તો ડોબક સાહેબને મળવા દોડ્યો સંભળાય છે.” જયમલ્લ બોલ્યો.

“એમ કે ? ” બુદ્ધિધને કહ્યું. થોડી વાર સઉ બોલતા બંધ પડ્યા.

“શઠરાયનું નક્કી થશે એટલે ઉજળીયું ગામ આપને આપવાનું છે. એવું રાણાજી ક્‌હેતા હતા:” જયમલ્લે સમાચાર કહ્યા. બુદ્ધિધને જયમલ પાસે સૂચના કરાવી હતી અને રાણાએ તે સૂચનાનો પ્રતિધ્વનિ કર્યો હતો.

અજાણ્યો હોય તેમ બુદ્ધિધન બોલ્યો: “ રાણાજીની કૃપા છે – પણ એ વિચાર તરત એમના મનમાંથી દૂર કરવો પડશે. કાંઈ સારું કામ આપણે હાથે થાય પછી એ વખત આવે તો ઠીક.”