પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૭

નરભેરામ બોલ્યો: “ બુદ્ધિધનભાઈ, લક્ષ્મી ચાંલ્લો કરવા આવે તેને તો ના ક્‌હેવી જ નહી, રાણાજીનું મન કાલે ફરી જાય. धर्मस्य त्वरिता गति:-'ધર્મ કરવા બેસે તેને અટકાવવો નહી. મ્હારા મનમાં તો આવ્યું હતું કે માગ્યા વિના મા પણ પીરસે નહી – રાણાજીને જાતે જ સુઝ્યું તો પછી વિવાહથી રળીયામણું શું ?”

"નરભેરામ, પણ મને લાગે છે કે છેક ઠીક નહી. દેખાય.”

“હવે. ઠીક ને બીક. હું કહું તે માનો. હા ના કરતાં કુમારા ર્‌હેશો. વખત વીત્યો ફરી આવતો નથી- ને હું તો, ભાઈસાહેબ, કાંઈ તમારા જેવો સાધુ નથી – માટે કહી મુકું છું કે ત્યારસોરો પ્રસંગ આવ્યે મ્હારો પણ કાંઈ જોગ કરાવજો – હું અંતઃકરણથી કહું છું તેનો હવે વિશ્વાસ આવ્યો કની ?”

નવીનચંદ્ર આ શાંત લુટાલુટનો વિચાર દેખી આભો બન્યો પણ વિચાર કર્યો કે “ આ અભણ લોકનો શો દેાષ ક્‌હાડવો ? ભણેલા ઇંગ્રેજ બીજું શું કરે છે ? સિવ્હિલસર્વ્‍હિસ એનો અર્થ લુટાલુટ કે બીજું ? વિના કા૨ણ બ્‍હાનાં ક્‌હાડી પ૨૨ાજ્ય હોઈયા કરવું એટલે બીજું શું ? હશે, કરોડો રુપીયાનાં પોટલે પોટલાં દરવર્ષે રંક અાર્ય પ્રજાને તાજી હનૂમાનની પેઠે સમુદ્ર ઓળગ્યાં કરે - અને સમુદ્રમાં ડુબી ગયાં હોય એમ આપણે મન તો ગયાં જેવાં જ થાય – અને એવી બીજી અનેકધા; હાનિ થાય તેના કરતાં આ લુંટની વ્‍હેંચણી તો સુવર્ણપુરની પ્રજામાં જ થવાની ! – ખીચડીનું ઘી ખીચડીમાં જ ! ”

સ્વદેશ-વત્સલ હૃદયમાં લુટાતો આર્યદેશ સાંભરી આવ્યો અને અંધકારને સમયે અંતઃકરણ ભરાઈ આવતાં આંખમાંથી ખરખર અાંસુની ધારા પડવા માંડી. “ બુદ્ધિધન, હું ત્હારો દેાષ નથી ક્‌હાડતો. હું તને શુદ્ધ જોવા ઈચ્છું છું – જગત્ ચોર છે વાસ્તે તું પણ ચોર હોય એ હું ઈચ્છતો નથી–પણ અા

"साक्षरा विपरीता राक्षसा भवन्ति"

“તેના આગળ નું એ છે હાનિકારક છે !” સર્વે વિચાર શોકમાં લીન થયા - અદ્રશ્ય થયા અને તકીયો દેઈ બેઠેલો પરદેશી સુવર્ણપુરના રાજ્ય- તંત્રીયોથી સર્વ વાતે જુદો પડ્યો. “ રંક અાર્યબન્ધુઓ ! હું તમારે વાસ્તે શું કરું ? મને કાંઈ સુઝતું નથી.” એ શબ્દ મુખમાંથી નીકળી ગયા; પણ ચિન્તાઓના સલવાટમાં, સ્વાર્થશોધના આવેગમાં, વાર્તાની લ્હેમાં, અને ખટપટના આવેશમાં પડેલાં ક્ષુદ્રચિત્તોમાં તે શબ્દ પ્રવેશ કરવા ન પામ્યા–