પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૯

બતાવતા બુદ્ધિધનને જોઈ મનમાં ઉપકારવૃત્તિની સેર છુટી, અને પોતાને નોકરી તો લેવી ન હતી એટલે આ ઉપકારનો બદલો શું બોલી વાળવો તે સુઝયું નહીં. મ્હોંયે ઉપકાર માની બતાવવો એ તેની પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ હતું – ન બતાવવો એ આ દેશમાં આચારવિરુદ્ધ હતું. અંતે વિચાર કરી, કંઈક સ્મિત કરી, તે બોલ્યો: “ભાઈસાહેબ, અા અાપની મમતા કાંઈ ન્હાનીસુની નથી, પરંતુ હું પરદેશી પ્રવાસી છું એ આપ જાણો છો. થોડા સમયમાં મ્હારો એક મિત્ર અત્રે આવવાનો છે તેને મળી – આપને પોશાક મળે એ આપનો સંપૂર્ણ ભાગ્યોદય જોઈ હું આપની રજા માગી મ્હારા પ્રવાસને પાછો આરંભ કરવા ઈચ્છું છું.”

પોતાનો પ્રસાદ ન સ્વીકારે એવું આજ સુધી બુદ્ધિધનને કોઈ મળ્યું ન હતું. તેને કાંઈક માઠું લાગ્યું અને પોતાનો કાંઈક તિરસ્કાર થયો ભાસ્યો. પ્રીતિ અસ્થાને દર્શાવી હોય, કારભારીએ ન કરવા જેવી ચુક કરી હોય, – એવી વૃત્તિ મનમાં થઈ અને કાંઈક વિષાદ પણ થયો. અાખર ઠરાવ કર્યો કે ભુલ થઈ તો થઈ પણ ફરી ન કરવી – ગમે એટલું પણ એ પરદેશી – એના ઉપર યોગ્યતા કરતાં વધારે વિશ્વાસ થઈ ગયો, વધારે મમતા દેખાડાઈ ગઈ. હવે એમ કરવાની જરુર નથી, નવીનચંદ્રને નોકરી આપી હત તો એક મ્હોટી ભુલ થાત, નવીનચંદ્રની પોતાની જ મૂર્ખતાથી અા મ્હારી ભુલ થતી અટકી – ઈત્યાદિ વિચાર કારભારીયે કર્યા અને નોકરીની વાત પડતી મુકી. શુદ્ધ ચળકતા લોખંડ ઉપર મ્હોંવડે કુંક મારવાથી શેવાળ વળે તેમ અંતઃ- કરણની નિર્મળતા ઉપર અધિકારની ફુંકે આમ પાણી ફેરવ્યું, અને ભૂતકાળની સર્વ સુંદરતા ધોવાઈ ગઈ હોય એમ અાટલી મમતાના પાત્ર થયેલા ભણી ઉદાસીનતા થઈ પોતાને એની સાથે કાંઈ સંબંધ નથી એ ભાન થયું. આ સર્વ દેખાઈ આવે નહીં એમ વાત કરવા માંડી.

“નવીનચંદ્ર, કોણ આવવાનું છે અને તમારે ક્યાં જવાનું છે ?” આ પ્રમાણે આડી અવળી વાર્તા થતાં ઘર આવ્યું, ગાડી અટકી, અને બેસનાર ઉતર્યા. દ્વારમાં બન્ને જણ પેંઠા.

બુદ્ધિધન સાંઝે દરબારમાં જવા નીકળતો હતો ત્યારે , તેની મેડી અાગળ અાલકકિશોરી આવી, કાંઈક લાડ કરી, કહી ગઈ હતી કે “ પિતાજી, આજ તો મ્હારે એક વાનું માગવાનું છે તે એ કે વનલીલાના વરનો કાંઈ સારી જગા પર જોગ કરજો. એ બીચારી જો કાંઈ બોલતી નથી તેથી મ્હારા મનમાં આવ્યું છે. પેલી કાળકાના વરની તો તમે તે દિવસે ના કહી હતી – પણ આજ તો નહી ચાલે – હા ! મોઈ રાંડ કાળકા-