પવન ખાતો, એકાંત આકાશ અને અંધકાર જોતો જોતો, પાઘડી લુગડાં ક્હાડી, એક ખુરશી પર બેઠો.
બારણે રાત્રિનો પ્રવાહ નિરંકુશ રેલાઈ ગયો હતો તેને તળીએ ડુબી જઈ ડુબેલા માણસના જેવા વિકાર પોતે અનુભવતો હોય એમ નવીનચંદ્ર કલ્પવા લાગ્યો.
"The Crescent Moon, the Star of Love,
Glories of evening, as ye there are seen
With but a span of sky between–
Speak one of you, my doubts remove,
Which is the attendant Page and which the Gueen ?”
“ઉદયમાન ચંદ્રકલા ! શ્રૃંગાર-તારા ! સંધ્યા સમયની કીર્તિ - મૂર્તિઓ! આકાશના માત્ર એક તસુનું જ અંતર રાખી પાસેપાસે તમે બે જણીયો પણે આગળ ઉભી રહેલી દેખાવ છો તેમની તેમ રહીને – તમારા બેમાંથી એક જણ બોલો – મ્હારી શંકાનું સમાધાન કરો - તમારા બેમાં પરિચારિકા કોણ અને રાણી કોણ ? ”[૨]
પતિનો દોષ પતિવ્રતાના મનમાં ન વસ્યો અને લીલાપુર જવા તે નીકળ્યો ત્યાંસુધી તે તેની જ સેવામાં રહી. અંતર્નું દુઃખ ભુલવા કરેલો પ્રયત્ન સફળ થયો લાગ્યો. પ્રમાદધન ગયો એટલે તે નીચે ઉતરી અને નણંદની આસપાસ ભરાયેલી કચેરીમાં ભળી. વરઘેલી બની દિવસ સમયે વરની પાસે આમ આટલી વાર બેસી રહી તે વીશે સર્વેયે એની પુષ્કળ મશ્કેરીયો કરી અને સર્વના આનંદમાં વધારો થયો. કોઈને કાંઈ કામ ન હોય તેમ સર્વ જણે આખો દિવસ અલકકિશોરીની આસપાસ કુંડાળું વળી ભમ્યાં કર્યું.