પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪


“આ સાંભળતાં મ્હારાં રૂવાં ઉભાં થાય છે. મને કંપારી વછુટે છે. હું શું કરું કે એવું એવું મ્હારી મેળે સમજાય ? તમે મ્હારા મનોરથ બધી રીતે પુરા પાડો છો પણ એક વિષયમાં હું મરતા સુધી તમારી લ્હેણદાર રહીશ. મરીશ ત્હોયે ભૂત થઈશ. તમારા મનની વાતો સમજાય, તમારું મન સમજાય, અને અામ તમારા સુખદુ:ખમાં અને તમારા અાવા અાવા વખતમાં મ્હારે તમારા સામું જ જોઈ રહેવું ન પડે, એવું શું કરું જે થાય ?”

વિદ્યાચતુર હસ્યો. “ચાલ, ચાલ, એ બધુંયે થશે. હું ભણાવું તે ભણ છે મરજી?”

અને બીજે દિવસેથી ગુણસુંદરીએ અભ્યાસ કરવા માંડ્યો અને સીમંત આવતા સુધીમાં પતિ પાસે ભણી તે ભણી. પછી જંજાળમાં પડી. વધારે ભણાયું નહી, પણ તેને અસંતોષ મટી ગયો. પતિને કામ લાગે એવી શક્તિ તો ન આવી પણ તેના હૃદય મંદિરમાં પેસવા લાયક, તેમાંની રસશય્યાપર સુવા લાયક અને તે ઉપરના મર્મ સાથે યથેચ્છ વિલાસ કરવા લાયક તે ગણાવા લાગી; અને પતિપાસેથી વિદ્યાગ્રહણ કરવું બંધ પડ્યું તે છતાં પોતે વયે વધતી ગઈ તેમ ઘરની જંજાલમાંથી અવકાશ શોધી ક્‌હાડતાં શીખી, એ અવકાશપ્રસંગે આત્મપ્રયત્નથી યથાશક્તિ અભ્યાસ વધારી શકી, અને કાળક્રમે અા મહાપ્રયાસ અને ઉત્સાહનું એ પરિણામ આવ્યું કે વિદ્યાચતુરની વિદ્યા, રસજ્ઞતા, વગેરેનું પ્રબળ વીર્ય વાતચીત અને વિનોદના વિહાર સમયે તેના મનહ્રદયમાં ઠેઠ પ્હોંચવા લાગ્યું અને તે તેજ-ગર્ભ દિવસે દિવસે પ્રકુલ્લ થયો. અાનો લાભ કુમુદસુંદરીને મળ્યો.

એક પ્રખ્યાત વિદ્વાને માણસને દરજીની ઉપમા આપી છે. સઉ સઉને પોતાનાં જેવાં અને બને તો પોતે શીવેલાં કપડાં પ્હેરાવવા ઈચ્છે છે. વિદ્યાનો પણ એક સાધારણ નિયમ એવો છે કે ભણેલા સઉને ભણાવવા મથે છે. દીકરી ન્હાની હતી અને તેના ઉપરનો મોહ તાજો હતો તેવામાંથી જ ગુણસુંદરીએ ઠરાવ કર્યો કે આને ભણાવવી. આપણા દેશમાં સ્ત્રીઓની વિદ્યાવૃદ્ધિમાં ઘણી અડચણો પડે છે. ન્હાનપણમાં છોકરી નીશાળે જાય ત્યાં ધુળધમાટ ભણે, પરણ્યા પછી સંસારમાં પડતાં અભ્યાસ પ્રતિકૂલ થાય છે. ઘરના વ્યવહારમાં, અભણ સ્ત્રીવર્ગમાં–સાસરિયામાં અને સાહેલિયોમાં–રહી. વિદ્યાનાં દર્શન પાતક ગણાતાં છતાં, પતિની તથા પોતાની પશુસામાન્યવૃત્તિયો સાચવવામાં, છોકર–છૈયાંની લબ્ધાને લીધે, સ્ત્રીવર્ગના ઘડી ઘડીના ન્હાના મ્હોટા રોગથી પગલે પગલે અડચણો લાગવાને લીધે, અને ધણી અનુકૂલ હોય તોપણ સ્ત્રીશિક્ષણમાં તેની શક્તિ અથવા વૃત્તિ અથવા