પાછલે પ્હોરે સૌભાગ્યદેવી કથા ક્હેવડાવતી હતી અને આજ સાવિત્રીઆખ્યાન ચાલતું હતું. એ કથામાં પણ આજ નિત્યના કરતાં વધારે મંડળ હતું. એ કથામાં અલકકિશોરીને રસ પડતો નહીં. કથા ચાલવા માંડી ત્હોયે એની કચેરી વેરાઈ નહી. કથામાં બેઠેલીયોનાં મન પણ આ કચેરીના ગરબડાટથી વિક્ષેપ પામ્યાં. સૌભાગ્યદેવીએ અલકકિશેારીને કહાવ્યું કે તમે સઉ બીજે ઠેકાણે જઈ બેસો. સર્વને કુમુદસુંદરીવાળી મેડીમાં જવાની ઈચ્છા થઈ પણ એટલામાં તો એ પોતે જ કથામાં જઈ બેઠી, એટલે સઉએ વિચાર ફેરવ્યો અને ટોળું લેઈ અલકકિશોરી ઘરબહાર નીકળી અને સ્ત્રીવર્ગને ભરાવાના એક ઓટલાપર સઉને લઈ મધપુડાની રાણી પેઠે બેઠી અને ગુંજારવ ચોપાસ પ્રસરવા લાગ્યો.
કથા ઉઠી એટલે કુમુદસુંદરી છાનીમાની પોતાની મેડી ભણી જવા લાગી. સાવિત્રીની પવિત્ર કથાથી તે શાંત થઈ, પરંતુ કૃષ્ણકલિકાનું સ્વપ્ન તેના મનમાંથી ખસતું ન હતું અને ઘણું ડાબવાનો પ્રયત્ન કરવા છતાં આંસુ ખળતાં ન હતાં અને કથા-રસથી ઉત્પન્ન થયેલાં આંસુમાં ખપ્યાં. સૌભાગ્યદેવી આજ વહુની મુખમુદ્રા જોઈ રહી હતી. કથાનો અંત આવતાં પોતાની પાસે ઘડી બેઠા વિના એકદમ ઉપર જતી વહુને જોઈ દેવી વ્હેમાઈ અને વહુને પોતાની પાસે બોલાવી. આવી ન આવી કરી - સાસુ પાસે અશ્રુપાત થઈ જશે એ ભીતિથી – વહુ ઉપર ચાલી ગઈ અને વજ્ર જેવું હૃદય કરી મેડીમાં પેંઠી. પેંસી, દ્વાર વાસી, સાંકળ પણ વાસી ટેબલ પાસે બેઠી અને પુસ્તક લીધાં પણ તેમાં મન ગયું નહીં - કંટાળો જ આવ્યો. પલંગભણી, બારીભણી, નવીનચંદ્રની મેડીવાળા દ્વારની સાંકળ ભણી, પોતે મેડી વચ્ચોવચ બેસી રોઈ હતી તે તે સ્થળ ભણી, અને ઉમરા ભણી જોતી જોતી આંખે અંતર્માં વળવા માંડ્યું. સ્મરણશક્તિનાં કમાડ ધક્કેલ્યાં, અંદરથી નીકળેલી કલ્પનાને ઉરાડી, ઈર્ષ્યાને સળગાવી, અને વિમાનના-બુદ્ધિને ભંભેરી; ફટક લાગી હોય, હબકી હોય અને ડાગળી ચસકી હોય, એમ ફાટી આંખે કુમુદસુંદરી ચારે પાસ જોવા લાગી. નિ:શ્વાસ ઉપર નિ:શ્વાસ નીકળવા લાગ્યા; ઓઠ સુકાયા, ગાલ બેસી ગયા જેવા થયા, આંખો ઉંડી ગયા જેવી થઈ, ઘડીક કંપતી છાતી પર હાથ મુકી ઉભી રહી, અને અંતે કપાળે હાથ કુટી ખુરશી પર બેઠી અને તેની પીઠ પર માથું નાંખી દીધું. આ ક્રિયાશૂન્ય સ્થિતિમાં કલાક બે કલાક વીતી ગયા એટલે બારણું ખખડ્યું અને ઉઘાડ્યું કે અલકકિશોરી અને વનલીલા અંદર આવ્યાં, સાંઝના પાંચ વાગ્યા અને સર્વ મંડળ વેરાઈ ગયું કે અલકકિશોરી ઘેર આવી અને તેની સાથે વનલીલા