પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૩

પણ આવી. વનલીલાને કુમુદસુંદરીની માનસિક પ્રકૃતિમાં આજે કાંઈ ફેર લાગ્યો હતો. કુષ્ણકલિકા પર માર્ગપર ઘરેણાં ફેંકાયાં એ ચર્ચાથી આ ફેરનો વ્હેમ વધ્યો હતો અને તેથી જ ચિંતાતુર વનલીલા સખી પાસે આવી હતી. બન્ને જણ અંદર દાખલ થયાં. કુમુદસુંદરીનું કોમળ વદનકમળ શોકના તાપથી છેક કરમાઈ ગયું હતું પણ અલકકિશોરીના દેખતાં કાંઈ પુછાયું નહી. કુમુદસુંદરી સાવધાન થઈ અને વાર્ત્તામાં ભળી, પણ શૂન્ય હૃદયમાં આનંદનો લેશ ન હતો અને ફીક્કા હાસ્યને પુ૨વણી ૨જ પણ મળી ન શકી. અંતે સઉ ત્રીજા માળની અગાસી પર ચ્હડયાં અને ઉન્હાળાનો આથમતો દિવસ અગાસીમાંના શાંત પવનથી ૨મ્ય કરવા ધાર્યો.

વનલીલા બોલી, “ભાભી, આજ તો આખો દિવસ તમે ઉપરનાં ઉપર રહ્યાં છો. તમારે અમારા વિના ચાલ્યું પણ અમારે તમારા વિના ન ચા૯યું."

કુમુદસુંદરીને કીકી સુધી આંસુ ઉભરાયાં હતાં. તેને ડાબી રાખવાનો પ્રયત્ન કરતાં ઉત્તર દેવાનો સુઝ્યો નહી. અંતે શેતરંજની રમત ક્‌હાડી. તેમાં પણ જીવ ન પેંઠો. નણંદભોજાઈ રમવા લાગ્યાં અને રોજ જીતતી તે ભાભી દાવ ઉપર દાવ ભુલવા લાગી અને હારી. એટલામાં વનલીલા નીચે મેડીમાં ગઈ હતી તે કુમુદસુંદરીના મેજ પરથી નવું આવેલું બુદ્ધિપ્રકાશ લઈ આવી અને રમતમાં હારેલી કુમુદસુંદરીના હાથમાં મુકી બોલીઃ “ભાભી, આમાં એક ચંદા નામની કવિતા આવી છે તે વાંચવા જેવી છે પણ બરાબ૨ સમજાતી નથી તે સમજાવો.” ચંદ્રને ચંદાનું નામ આપી રચેલી રસિક કવિતા કુમુદસુંદરીએ શાંત કોમળ સ્વરથી ગાવા માંડી અને ઘડીક આનંદને પાછો ખેંચી મેળવતી હોય એમ દેખાવા માંડી. તેનું મુખ હજી અવસન્ન જ હતું પરંતુ "ચંદા"ના પ્રકાશથી શોકતિમિર પાછું હઠતું સ્પષ્ટ દેખાયું. વાંચતાં વાંચતાં કવિતાનો અંતભાગ આવ્યો. પડવા પર બીજ હતી અને આકાશમાં ચંદ્રલેખા હતી તે જોતી કુમુદસુંદરી બોલી :

“અલકબહેન, ચંદા છે તે હવે સાંઝને પોતાની સખી ગણીને કહે છે તે સાંભળો : અત્યારે આ ચંદ્રમા દેખાય છે તેનું જ વર્ણન છે.


[૧]"સલુણિ સંધ્યા સખી પ્રિય મુજ, ભેટ લેવા તે તણી
“મુજ હોડલામાં બેશિને જાઉં કદી હું બનિ ઠની;–
“પવન મૃદુથી આંગણું વાળી સમાર્યું સ્નેહથી, “

  1. આ અને બીજા કેટલાક ઉતારામાં મૂળ જોડણી રાખી છે.