લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૭

દેશને દુઃખસાગરમાં પડતો પડતો ટકાવનાર અને સાધનોમાં એક સાધનરૂપ આ આર્યબુદ્ધિ આર્ય કુમુદસુંદરીના હૃદયકમળ પર લક્ષ્મીપેઠે સ્ફુરવા લાગી અને અનાર્ય જનથી સમજાય નહી એવું વિશુદ્ધ ઉત્કૃષ્ટ માનસિક ગાન કરવા લાગી.[]

તરંગોપર હીંચકા ખાતું મન ગમે તો શીતળ થયું હોય તેથી કે ગમે તો શ્રમિત થયું હોય તેથી એ હીંચકા ઉપર ને ઉપર જ ઢળી ગયું. નિદ્રાદેવી તેને પોતાના ખોળામાં લેવા લાગી અને પોતાની છાતીપરનો છેડો તેના મુખપર ઢાંકવા લાગી.

નિદ્રાવશ થતી કુમુદસુંદરી કાંઈક સાવધાન બની અને સુવાનો વિચાર કરી સુંદર હાથ ઉંચો કરી કમખો ક્‌હાડવા લાગી, કમખો નીકળતાં તેના પેટમાં રહેલી સોનેરી અક્ષરવાળી ચોળાયેલી પત્રિકા સરી પડી અને સ૨તાં સરતાં કોમળ અને સચેતન સહવાસી અવયવ ઉપર ઘસાઈ તેને ચેતના – સૂચના – આપી. પડતાં પડતાં પણ પાટલીના પટ પર ગુંચવાઈ ભરાઈ અને અંતે તરછોડાઈ વછુટી. આખરે પડી તો પણ પગના સુકુમાર અંગુઠા પર પડી. અંગુઠા આગળથી સંદેશો આવ્યો હોય એમ ચિત્ત એકદમ ચમક્યું અને સજજ થયું. પગના બંધુ હાથે પત્રિકા ઉપાડી લીધી અને આંખ આગળ ધરી. આંખે વાંચ્યું :

“શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી !
“થઈ રખે જતી અંધ વિયોગથી;
“દિનરૂપે સુભગા બની રહે, ગ્રહી
"ક૨ પ્રભાકરના મનમાનીતા !"

આંખ ચમકી; નિદ્રા છટકી; બુદ્ધિ જાગી; શશી–ચંદ્ર–ક્ષિતિજમાં ઉગ્યો; હૃદયનો નિ:શ્વાસ ઓઠઉપર આવ્યો; “સરસ્વતીચંદ્ર ! સરસ્વતી


  1. જડ પદાર્થો અને શ્વાન આદિ પશુજાતપર પ્રેમ રાખી શકનાર પાશ્ચાત્યલોકમાં વર્તમાન આર્યલેાકના જેવા સ્નેહ કેવળ અપરિચિત નથી – માત્ર ઋણાનુબંધ બુદ્ધિથી ખામીવાળો છે અને તેથી અનેકધા દુખઃકર નીપજે છે. "આ મ્હારું" એ બુદ્ધિથી ઉપજતા પ્રેમનું એક કરુણા-રસિક દૃષ્ટાંત વર્ડઝવર્થના "ઇડિઅટ બેાય” (The Idiot Boy) નામના કાવ્યમાં છે. ખોવાયલા જડપુત્રને જોઈ ઇંગ્રેજ માના મનમાં ઉપજતો પ્રેમ અને આનંદ જોઈ આર્યોને ઘણાક પ્રસંગેા–સંબંધો–સાંભરી આવશે.

    "She kisses o'er and o'er again
    “Him, whom she loves, her Idiot Boy;
    "She's happy here, is happy there,
    "She is unhappy everywhere;
    "Her limbs are all alive with joy.”