પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૯

લાગી. છબિ પોતાના સામી ટેબલ પર મુકી તેને એકટશે જેવા લાગી. તેનાં દર્શન કરતી હોય, હૃદયમાં રહેલાનું કાચ જેવા કાગળ પર પ્રતિબિમ્બ પડ્યું હોય અને તેને આશ્ચર્ય પામી તપાસતી હોય; તેની સાથે વાતો કરતી હોય તેને ઠપકો દેતી હોય; તેના ઉપર ક્રોધ કરતી હોય; હજી પોતે તેની જ પત્ની હોય તેમ તેના પર પ્રભુતા દર્શાવતી હોય તેમ કુમુદસુંદરીની દૃષ્ટિ છબિ જોતી જોતી અનેકધા વહી. ત્યાગ કર્યા પછી ઘણે વર્ષે રામને જોતી સીતાનું હૃદય થયું હતું તેવું જ અત્યારે થયેલું આનું હૃદય, ઉપરાઉપરી નખાતા નિઃશ્વાસમાં,[૧] પળે પળે સ્ફુરતી અને ભાગતી ભૃકુટિમાં છબિને તદ્રૂપ માની જીવમાં જીવ આવ્યો જણવતા ઉચ્છ્વાસમાં,[૨] વચ્ચે વચ્ચે મલકાઈ જતા મુખમાં, સરસ્વતીચંદ્રની વર્તમાન અવસ્થા સાંભરી આવતાં ખિન્ન થઈ સંકોચ પામી ઝાકળ જેવા અશ્રુપટલથી ઢંકાઈ જતા નેત્રકમલમાં, અને ક્ષણે ક્ષણે ધડકતા સ્તનપુટ પર મુકાઈ ચંપાઈ જતી હસ્તસથલીમાં[૩] – મૂર્તિમાન્ થતું. “કુમુદસુંદરી !

“છે આશ તજી બનીયું ઉદાસી, રોષભર્યું તજવા થકી,
“ટમટમી રહ્યું આ દીર્ઘકાલવિયોગમાં મળવા મથી,
“સૌજન્યથી સુપ્રસન્ન, બળી પ્રિય-રુદિતની ઉંડી ઝાળથી,
"આ ક્ષણ ગળ્યું રસમય હૃદય તુજ પ્રેમ–ઉદય થયા થકી.”[૪]

આ એકાંતમાં એકલીનો એકલો સાક્ષી ન્હાનો પણ તેજસ્વી દીવો કુમુદસુંદરીને આમ કહી દેતો હોય – એમ તેનો ક્ષણભર સ્તબ્ધ અને ક્ષણભર કંપતો પ્રકાશ આખા સંસારના અંધકાર વચ્ચે કુમુદસુંદરીને મન મિત્રવચન જેવો થયો. દીવો કુમુદસુંદરીની તમસા બન્યો. દીવાની જયોતનું પ્રતિબિમ્બ સુંદર કીકીમાં પડી રહ્યું. અને અંજાયલી આંખ મીંચાઈ ૨હી કીકી અને પોપચા વચ્ચે સરસ્વતીચંદ્રને તાદૃશ પ્રત્યક્ષ જોવા લાગી. આ અવસ્થામાં પડેલી આંખો ઉપર નિદ્રાએ કોમળ કરપલ્લવ ડાબ્યો અને જાગૃત સ્વપ્નમાંથી સુસ્વપ્નમાં સંક્રાંતિ અદૃશ્ય રીતે થઈ ગઈ. નિદ્રામાં ખુરશી પરથી જરીક ખસી પડતાં અચીંતી જાગી ઉઠી સર્વ વસ્તુ હતી ત્યાં ને ત્યાં ર્‌હેવા દઈ કુમુદસુંદરી પલંગ ઉપર જઈ સુતી.

આજ પલંગ પર પ્રમાદધન ન હતો. એકલી સુતેલી સહવાસી સંસ્કારોને બળે પરિચિત દશાનાં જ સ્વપ્ન જોવા લાગી. માત્ર જાગૃત અવસ્થા કાંઈક ઉલટપાલટ રૂપે સ્ફુરી અને સ્વપ્નનો સહચર સરસ્વતીચંદ્ર થયો.


  1. ૧નીચા શ્વાસ, નીસાસા.
  2. ૨. જીવ પામતું માણસ ઉંચા શ્વાસ લે તે.
  3. ૩. હાથેલી.
  4. રા. મણિલાલના ઉત્તરરામચરિતના ભાષાંતરઉપરથી.