પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૦

દિશા અને કાળના ભેદ વિપરીત થઈ ગયા, વસ્તુઓના સંબંધ અનનુભૂત અને વિચિત્ર બની ઝટોઝટ પલટાવા લાગ્યા, આ સર્વ સૃષ્ટિમાં નિદ્રાયમાણ મસ્તિક સત્યનું ભાન ધરવા લાગ્યું, અને નવીન સુખદુઃખો ભોગવતું હૃદય પાપપુણ્યથી મુક્ત રહી સ્વતંત્ર વર્તન કરતું લાગવા માંડ્યું. દ્રશ્ય અને દ્રષ્ટા એક છતાં ભેદ ભાસવા લાગ્યો. કુમુદસુંદરી સર્વત: સરસવતીચંદ્રમય બની. સ્વપ્નની પાછળ સ્વપ્ન ઉભાં રહ્યાં – દોડાદોડ કરી રહ્યાં – પણ સર્વમાં સરસ્વતીચંદ્ર ખરો !

આ અવસ્થામાં કલાકેક વીતી ગયો. બુદ્ધિધન હજી ઘેર આવ્યો હતો અને તેના દ્વાર આગળ ઓટલા પર બેસી સીપાઈયો વાતો કરતા હતા અને અંતે થાકી એક જણ ગાવા લાગ્યો તે સાંભળતા હતા.

“મોરા બીલમા કબુ ઘર આવે–
“આવે રે આવે–
“ઓ મોરા બીલમા કબુ ઘર આવે ?–
“કબુ ઘર આવે–? ”

અંત્ય સ્વર લંબાવી એક સીપાઈ આ ગાતો હતો અને બીજાઓ 'વાહવાહ !' 'સાબાશ !' વગેરે ક્‌હેતા હતા તેના ખડભડાટથી કુમુદસુંદરી જાગી ઉઠી, પથારીમાં જ બેઠી થઈ સરસ્વતીચંદ્રને શોધવા લાગી, ચારે પાસ આંખો ફેરવી જોવા લાગી, “મોરા બીલમા કબુ ઘર આવે' એ શબ્દે વીંધેલા અંતઃકરણમાંથી શોકરુધિર નીકળવા લાગ્યું, અને 'બીલમા– ઓ બીલમા' કરતી કરતી, અર્ધી જાગતી – અર્ધી ઉંઘતી કુમુદસુંદરી હજી સ્વપ્નમય ૨હી વ્હીલે મ્હોંયે મેડી બ્હાર સંભળાય નહી એમ રોવા લાગી, રોવું ખાળી શકાયું નહી, ખાળવાનો પ્રયત્ન કરવાનું જ સાંભર્યું નહી. અને એમ કરતાં કરતાં ખરેખર જાગી તોપણ ઉત્પન્ન થયેલી હૃદયવૃત્તિને સંહારી શકી નહી, પાછી ટેબલ આગળ જઈ બેઠી અને શોકમય – ઉતરી ગયેલે– મ્હોંયે ગાતી ગાતી ઉછળતા – વર્ષતા - હૃદયને કાગળ ઉપર ટપકાવવા લાગી. કાગળ એ ઘણા હૃદયની ધરતી છે. વર્ષાદ જેવી ઘણી વાતો કાગળ પર ટપકાવી લેવાય છે. ધરતીમાં તેમ કાગળમાં ઘણા હૃદયમેઘ સમાઈ શાંત થાય છે.

“શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી” ઈત્યાદિ ગણગણતાં એક મ્હોટો 'ફૂલસ્કેપ' કાગળ લીધો અને તે ઉપર આંસુ અને અક્ષર સાથે લાગાં પાડ્યાં:

“શશી ગયો ઉગશે ગણીને ભલે
“ટકતી અંધનિશા; મુજ ચિત્તમાં