“ પ્રલયકાળ રચી શશી આથમ્યો
“ નીરખીને ધિક જીવવું જીવનું ! ”
વળી થોડીવાર લખતી બંધ પડી, ચંદ્રલેખા જેવી હડપચી નીચે રુપેરી વાદળી જેવી હાથેલી મુકી, વિચારમાં પડી, અને સરસ્વતીચંદ્રનો જાપ જપતી, તેનું કૃત્ય વીમાસી, એ જાપ પણ પતિવ્રતાધર્મથી વિરુદ્ધ છે એવું ભાન આવતા નિ:શ્વાસ પર નિઃશ્વાસ મુકતી, ફરી લખવા મંડી:
- “તજી નાર અનાથ જ એકલડી, પિયુ જાય વિદેશ, પુઠે મુકી આશા;
- " જપવા પ્રિય-જાપ સ્વતંત્ર રહે વિધવા ધ્રુજતી જોઈજોઈ નિરાશા;
- “ નહીં આશ મુકી પરતંત્ર કરી, પપળાવી નિરાશ મુક્યું ઉર વહેતું.
- "જીવમાં જીવ સાહીં મુક્યો પડતો ! રમવું અતિક્રુર પડ્યું ક્યમ સહેતું?”
અાંખમાં ઝળઝળીયાં અાણી બોલી: “અરેરે, સરસ્વતીચંદ્ર, મ્હેં તમારો શો અપરાધ કર્યો હતો ? દમયંતીની પણ નળે મ્હારા કરતાં સારી અવસ્થા રાખી હતી. હાય,–ઓ મ્હારી મા ! ઓ ઈશ્વર ! અંબાવ્ય્ ! અંબાવ્ય્ !” એમ ક્હેતી કાગળ પ્હલાળતી, કાગળ પર ઉંધું માથું મુકી નિરર્ગળ રોઈ પતિવ્રતાધર્મ પ્રમાણે આ રોવું અયોગ્ય ગણતી ગણતી પણ રોવું ન ખાળી શકી અને ટેબલ પરથી માથું ઉચું કરી લેઈ લેતી લેતી ગણગણી:
“तृणमिव वने शून्ये त्यक्ता न चाप्यनुशोचिता ।
“ चिरपरिचितास्ते ते भावा: परिद्रवयन्ति माम्
“ ઓ પવિત્ર ગંભીરતાના શિખર રામચંદ્રજી – તમારેયે અાવું હતું તો મ્હારી અબળા – બાળકી – અજ્ઞાની જંતુની આ અવસ્થા ક્ષમા કરજો ! – મ્હારાથી નથી ર્હેવાતું - નથી સ્હેવાતું આ જીવવું – ઓ ઈશ્વર !”
આમ ક્હે છે એટલામાં ઘરમાં પેંસતા વાતો કરતા નવીનચંદ્ર અને બુદ્ધિધનના સ્વર સંભળાયા. આવી વૃત્તિને સમયે નવીનચંદ્રને સ્વરે મુગ્ધા-
- ↑ ૧. ઉત્તરરામચરિત માંથી. (રામચંદ્ર અયોધ્યાવાસીયોને કહે છે) “તમારા-મ્હારા ગૃહમાં સીતાદેવી સ્થાન કરે એ તમને ન જ ગમ્યું તો શૂન્ય વનમાં તૃણની પેઠે તેને તજી દીધી ! એટલું જ નહીં પણ એની પાછળે શોક પણ નથી કર્યો. લાંબા પરિચયવાળા આ બધા પદાર્થો હવે મને નીચોવે છે (મ્હારું હૃદય ઓગાળે છે) અને અશરણ બનીને આજ પણ માત્ર અામ રોઈ પડાય છે તેટલું ક્ષમા કરો.