અવકાશની ખામીને લીધે, હિંદુ સ્ત્રીયો ભણી શકતી નથી. પોતાના ચકોરપણાને લીધે તથા સદાગ્રહથી ગુણસુંદરી આ હરકતો દૂર કરી થોડું ઘણું શીખી તો તેના મનમાં એમ જ રહેતું કે આ અડચણો પડે ત્યાર પહેલાંથી મ્હારી પુત્રીને વિદ્યાનું ભાથું બંધાવી પછી જગતમાં મોકલું. વિદ્યાચતુર પોતે વ્યવહારજાલમાં દિવસે દિવસે વધારે લપટાતો હતો અને તેનો અવકાશ સંસારનાં વાદળાંથી ઘણું ખરું ઘેરાયલો રહેતો. તોપણ પ્રસંગે પ્રસંગે ગુણસુંદરીના સ્તુતિપાત્ર ઉત્સાહ, આગ્રહ, અને પ્રયાસને આશ્રય આપવામાં, સુગમતા કરી આપવામાં, સુધારવામાં, માર્ગ દર્શાવવામાં, અને વધારવામાં તે જાતે પ્રયત્ન કરતો; અને તેમાં રહેતી ખામીયો વાતચીતમાં, વિનોદમાં અને વ્યવહારમાં પડતા પ્રસંગો સમયે પૂરી દેતો. થોડા વર્ષમાં કુમુદસુંદરીનો અભ્યાસ ઘણો વધી ગયો અને આખરે તેની પોતાની બુદ્ધિ જાતે ચાલવા માંડી અને માબાપને પ્રમાણમાં પ્રયાસ ઓછો કરવાની, અને થયલો પ્રયાસ સફળ થયો જોઈ અાનંદ ભોગવવાની તક મળી. પરણવા પહેલાં ઇંગ્રેજી અને સંસ્કૃતમાં પ્રવેશ થયેલો હોવાથી સંસારધર્મ, રસજ્ઞતા અને રસિકતા, વ્યવહારકુશળતા, નીતિમાર્ગ આદિ ગૃહસ્થાશ્રમના દ્વારપાળો અણબોલાવ્યા પોતાનો સમય સમજી, મંદિરમાં આવતી રાણીને વણમાગ્યા સત્કાર દેવા તત્પર રહ્યા અને સંસારસિંહાસનપર અા રાણી સાથે સ્વાભાવિક રીતે સરસ્વતીચંદ્રને શોધી નિરાશ થઈ મન પાછું ફરતું એ શિવાય બીજી બધી બાબતમાં કુમુદસુંદરીનાં માબાપ દીકરીને જોઈ જગતને સ્વર્ગ સમું ગણી લેતાં.
આવા સંસ્કારવાળી કુમુદસુંદરી બુદ્ધિધનના ઘરમાં આવી એટલે તરત એને એક નવી દુનિયામાં પેઠા જેવું લાગ્યું. દેખાવમાં અલકકિશોરીનાથી બહુ જુદી હતી. તેના શરીરનો વર્ણ રુપેરી ગોરો હતો. તેનું કાઠું નાજુક હતું. “ન્હાનીશી નાર ને નાકે રે મોતી ” એ વર્ણનના સહાધ્યાસી સંસ્કારો તેનામાં મૂર્તિમાન થતા હતા. ભભકની અાકર્ષણ શક્તિ તેનામાં ૨જ પણ ન હતી. રૂઅાબનો દોર તેનાથી જુદો પડતો હતો. કેટલાકને તે ગરીબ ગાય જેવી દેખાતી. કેટલાકને તે નિર્માલ્ય-માલવગરની લાગતી. તેના મુખ સામું સઉ કોઈ જોઈ શકતા. તે માત્ર મંગળ આભૂષણ અને અાછાં પણ સુંદ૨ ચિત્રવાળાં – સાદાં જેવાં – વસ્ત્ર પહેરતી. નાજુક–બાળકના જેવા હાથ અને તેવા જ કુમળા મેદી મુકેલા ન્હાના પગ વગર તેના અંગનો સર્વ ભાગ. વસ્ત્રમાં ઢંકાઈ રહેતો. તેના હાવભાવ પ્રસંગે જ જોવામાં આવતા અને પ્રસંગોપાત્ત હોવાથી કોઈનું ધ્યાન ખેંચતા ન હતા. શરદ્ૠતુના ન્હાના વાદળા ઉપર ચંદ્રલેખા જણાય તેમ એનાં વસ્ત્ર ઉપર તેનું ખરું આછા સ્મિતવાળું મુખ દેખાતું. તે બોલતી થોડું, પણ બોલે તે વખત રુપાની ન્હાની ઘંટડીના જેવો