પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૩

બેના પ્રથમ પ્રસંગે જોયેલો ચિતાર બીડાયેલી પાંપણો વચ્ચે તાદૃશ થયો, અને પ્રથમ પત્રમાં લખેલો–

धन्यासि वैदर्भि गुणैरुद्रारैर्यया समाकृष्यत नैषधोऽपि ।
अत:स्तुति:का खलुचन्द्रिकाया यदब्धिमप्युत्तरलीकरोति ॥

એ શ્લોક ગાતો ગાતો હસતો હસતો શરમાતી નિમીલિત સ્મિત કરતી મુગ્ધાનો હાથ હાથમાં લેતો સરસ્વતીચંદ્ર સ્વપ્ન પેઠે કુમુદસુંદરીએ મીંચેલી અાંખોથી જોયો, અંતમાં પ્રસન્ન પ્રફુલ્લ થવા છતાં ગભરાઈ અને એ સ્વપ્નાનંદમાંથી સટકી ઉદાસવૃત્તિથી અાંખ ઉઘાડતી ઉઘાડતી માથું ઉચું કરતી કરતી ગાવા લાગી:

“ પૂર્ણ પામી વિકાસ મુખ મુજ હાસ કરતું પ્રેમથી,
“ તે સમે સિન્ધુ વિશાળું નિજ ઉર વિસ્તરે સામો હશી;
“ ને કરંતો મન્દ મન્દ ઘુઘાટ ભર આનન્દ શું
“ ફેંકી તરંગે મુજ ભણી ધીમે ધીમે નાચંત શું !”[૧]

સરસ્વતીચંદ્રને અાવા સિન્ધુનું રૂપ આપતાં રમ્ય વિચારો મસ્તિકમાં તરવરવા લાગ્યા, પૂર્ણિમાની 'ચન્દા' જેવા કુમુદસુંદરીના મુખપર મધ્યરાત્રે એકાંતમાં ચંદ્રિકા જેવું શાંત રમણીય સ્મિત છલકાવા લાગ્યું, અને ઘડીક ઉઘાડી અને ઘડીક મીંચેલી અાંખો રાખી ગાયેલી કવિતા તે વારંવાર ગાવા લાગી અને શોકને સ્થળે આનંદ સ્કુરવા – ઉભરાવા – દશે દિશાએ રેલાવા લાગ્યો !

"આ ઉપમા સર્વ રીતે યોગ્ય છે ! મહાસિન્ધુના જેવું વિશાળ ઉ૨ તે મ્હારા જેવી ગુણહીનની પાસે વધારે વિસ્તાર પામ્યું - અાહા !

“ ને કરંતો મન્દ મન્દ ઘુઘાટ ભર અાનંદ શું
“ ફેંકી તરંગો મુજ ભણી ધીમે ધીમે નાચંત શું ?”
“ ફેંકી તરંગો–તરંગો–મુજ ભણી-ભણી–નાચંત શું ?”

બોલતાં બોલતાં મુખ દીન થઈ ગયું: “ખરી વાત. મ્હેં તે એવાં શાં પુણ્ય કર્યા હોય કે એવા મહાત્મા સાથે એથી વધારે સંબંધ ર્‌હે ? એટલું લીંબુ - ઉછાળ રાજય રહ્યું તેટલું ભાગ્ય મ્હારા જેવીને ઓછું ન હતું.” મ્હોંપર શોકના શેરડા પડ્યા, ગૌર ગાલ દુઃખથી વિવર્ણ (ફીક્કા) થઈ બેસી ગયા જેવા થયા, અને હૃદયનો ઉંડો નિ:શ્વાસ મુખમાંથી નીકળી આખી મેડીને – આખા જગતને પાછો શોકમય કરવા બેઠો – પ્રવર્તમાન થયો.


  1. ૧. ચન્દા: અા રમતીયાળ તર્કોથી ઉભરાતી કવિતા આપણા લોકપ્રિયવિદેહ ભોળાનાથભાઈના પુત્ર રા. નરસિંહરાવની કરેલી સ. ૧૮૮૩ ના બુદ્ધિપ્રકાશમાં છપાયેલી.