અાનંદનો ચમકારો પુરો થઈ ર્હેતાં પળવાર હસેલી રાત્રિ હતી એવી અંધારી બની.
એવામાં નવીનચંદ્રે મેડીનું બારણું સપટાવ્યું અને સાંકળ દીધી તેનો ખરખડાટ કુમુદસુંદરીના કાનમાં આવ્યો અને એ ચમકી. માનવીની વૃત્તિ અનુકૂળતા ન હોય ત્યાંથી શોધી ક્હાડે છે તે અનુકૂળતા પોતાની મેળે જ દોડી આવે ત્યાં વૃત્તિ વિચારનું કહ્યું કરે એ મહાભાગ્યની પરિસીમા વિના બનતું નથી. ચમકેલા ચિત્તે – કાને – નેત્રપર બળાત્કાર કર્યો અને તે બે મેડી વચ્ચેના દ્વાર ભણી વળ્યું - તો – સાંકળ ન મળે ! કુમુદસુંદરી ! નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર છે એ વિચારે ત્હારું મસ્તિક ભમાવ્યું ? પ્રમાદધન અને કુષ્ણકલિકાવાળા આજના જ બનાવે ત્હારું પતિવ્રત શિથિળ કર્યું ? એકાંત અનુકૂળતા, અને વૃત્તિ ત્રણનો સંગમ થયો ? “મ્હારા જેવી સામાની વૃત્તિ નહી હોય તો ?” આ ભીતિ ઘણાક વિષયાંધને સદ્દગુણસાધક થઈ પડે છે. મુગ્ધા, ત્હારામાં એ ભીતિ હતી ? “જો મ્હારા પર હજી પ્રીતિ ન હોય તો સરસ્વતીચંદ્ર ઘરબાર છોડી અત્રે આમ શું કરવા આવે ?” એ વિચારે ત્હારા મનની ભીતિ દૂર ન કરી ? પરવૃત્તિ પોતાની વૃત્તિનો પ્રતિધ્વનિ કરે છે તે મનથી જ એકદમ મન્મથ નિરંકુશ બની તનમનાટ નથી મચાવી મુકતો ? ભૂત અને વર્તમાન પતિને સરખાવતાં ભૂતકાળનો પતિ શું અત્યંત મોહક ન લાગ્યો ? તેની સાથે થયેલા પૂર્વ પ્રસંગે શું હૃદયને મૂર્ચ્છા ન પમાડ્યું ? વાંચનાર, ત્હારા અંત:કરણને – ત્હારા અનુભવને – ક્હે કે આ સર્વનો ઉત્તર ખરેખરો આપે. પાંસુલ ! ત્હારો ઢાંક્યો અનુભવ ઉઘાડી દે અને આ અવસ્થાની ખરી કીમ્મત કરવાનું સાધન આપ. વિશુદ્ધ ! ત્હારો ક્વચિત ખુણેખોચલે પડેલો પ્રસંગ સ્મરણમાં અાણી અા અવસ્થાની ભયંકરતા - દુસ્ત૨તા - બરોબર સમજાવ, સર્વથા અનિવાર્ય દશાપાશમાં પડેલી અબળા બાળકીપર દયાભરી અમીદ્રષ્ટિથી જો. અને અનિવાર્યને નિવારનાર શક્તિ પાસે માગ કે સદ્દબુદ્ધિનો જય કરે. તું બ્રાહ્મણ હોય તો ગાયત્રી ભણ - બ્રાહ્મણની પ્રાર્થના સદ્દબુદ્ધિ જ ઈચ્છે છે – તેનું સર્વ સંહારિ બ્રહ્મત્વ તેમાં જ સમાપ્ત થાય છે - બ્રાહ્મણને સદ્દબુદ્ધિ વિના બીજું કાંઈ જેઈતું નથી. પવિત્ર ગાયત્રિ ! બ્રાહ્મણપુત્રીને ત્હારા તેજથી છાઈ દે. તું એમ કરશે ? – તે તો સર્વજ્ઞ જાણે. માનવી જેટલી ઈચ્છાઓ રાખે છે એ સર્વ સફળ થવાને જ નિર્માઈ હોય એમ કાંઈ જગત જોતું નથી.
વિશુદ્ધિ સદૈવ ર્હેશે ? લક્ષ્મી ચંચલ છે તો વિશુદ્ધિ ચળ પણ નહી હોય ? ઈશ્વર રાખે તેવી ખરી. મૂર્ખ અને ધૂર્ત માનવી ! અભિમાન અને