પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૭

ધસી આવતા પૂરને બળે ઉભરાઈ જઈ – ફેલાઈ જઈ - શાંત અને પ્રસન્ન સરિતા એકદમ મલિન થઈ જઈ અસહ્ય–અનિવાર્ય–વેગથી ખેંચાતી હોય તેમ ધસે; વાયુના ઝપાટાની ઝાપટથી, રમણીય મન્દ લીલા કરતી કુસુમલતા (કુલની વેલી) હલમલી જઈ અચીન્તી કંપવા માંડે તેમ કુમુદસુંદરી પરસ્વાધીન થતાં તેને ચમક થઈ હોય તેમ તેનું આખું શરીર પળે પળે ફુવારાની ઉચ્ચ ધારા પેઠે ચમકવા – ઉછળવા – લાગ્યું. ઈષ્ટજન અને પોતે બેની વચ્ચે થોડું ઘણું દેશકાળનું અંતર હજી સુધી ર્‌હેતું ન ખમાતાં અધીરા બનેલા કપાળ ઉપર કરચલીયો પડી અને ફરકવા લાગી – જાણે કે ત્યાં આગળ મદન મહારાજે ધ્વજા ચ્‍હડાવી દીધી હોય અને આવી પવિત્રતા ઉપર મેળવેલા જયના દર્પથી જગતનો તિરસ્કાર કરી ફરકતી ન હોય ! મસ્તિકમાં નાચતા નિશાચર મદનની આડી અવળી પદ – પંક્તિ પડી હોય, અંતર્ ભરાઈ રહેલા સરસ્વતીચંદ્રની કલ્પનાભૂતના ફાટા પગ બ્‍હાર દેખાઈ આવ્યા હોય, તેમ બેયે વિહ્યળ ભમ્મરો ભાંગી ગઈ અને પોતા પર પડતી પારકી મલિન દ્રષ્ટિને પ્રતાપથી દૂર રાખવાની પવિત્ર શક્તિ જતી રહેતાં જાણે કે નવી અશક્તિ આવી હોય તેમ જાતે જ અપવિત્ર બની શિથિળવિથિળ દેખાવા લાગી. એ ભમ્મરનું જોર નીચું ઉતરી પગમાં થઈને જતું રહ્યું હોય તેમ.

" તાલાવેલી લાગી તે મ્હારા તનમાં, બીહારીલાલ”

એમ વિકળ મ્હોંવતે બોલી જમીન ઉપર પગની પ્‍હાનીવડે અચીન્ત્યો જોરથી ઠબકારો કર્યો અને વિશુદ્ધિને ઠેસ મારી. પોતાની અને ઈષ્ટજનની વચ્ચે ભીંત કે બારી કાંઈ પણ ન હોય તેમ જોતી હોય એવી - અહુણાંને આહુણાં તેને પ્રત્યક્ષ જોવા પ્રયત્ન કરતી ખેંચાતી ખેંચાઈ જતી એક જ કર્મ કરતી - અકર્મ – આતુર અને અધીરી અાંખો ધીમા ચાલનારા શરીરથી પણ પ્‍હેલી દેાડી જઈ ઈષ્ટદર્શન શોધતી શરીરને પાછળ મુકી અંતર્થી નીકળી પડવાનું કરતી હતીઃ– તે જાણે કે – સા મી મેડીમાંના ચંદ્રને બળે અાકર્ષાતા તન-મન સાગરમાંનું મીનયુગ આકર્ષાઈ અગાડીમાંના અગાડીના ધપેલા મોજાને માથે દેખાઈ આવ્યું ન હોય ! – સામી મેડીના પ્રદેશના કીનારા જેવી બારી પર ઉભેલા માછી મદનના હાથમાંની સૂક્ષ્મ અદ્રશ્ય જાળમાં ભરાઈ જઈ પવિત્રતાના સાગરમાં ર્‌હેનારું મીનયુગ અપવિત્ર હવામાં ખેંચાઈ - તરફડીયાં મારી થાકી વૃથા પ્રયાસ છોડી - નિર્જીવ બનવાની તૈયારી પર આવી પવને પ્રેરેલા ભૂત સંસ્કારના તરંગોના જ હેલારાથી માછી ભણી ધકકેલાતું ન હોય ! ઈષ્ટ વસ્તુ જોઈ રહેલી કીકીને બીજું કાંઈ જોવા જ ન દેવું એવો નિર્ણય કર્યો હોય, બાહ્ય સંસારમાં સ્ફુરતા જ્ઞાનનો કિરણ પણ પોતાના ચેતન ભાગની અંતર્ સરવા ન પામે તેવો માર્ગ પકડ્યો હોય, પોતાનાથી