લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૮

૫ણ આડું અવળું ભુલે ચુકે ફ૨કાઈ ન જવાય એવી સાવચેતી રાખી હોય, અને અંતર્થી ઉછળતું જ્ઞાન ઉભું જ ન થઈ શકે એમ તેને માથે જડ ભારરૂપ થઈ જવા પોતે જ ભારતયત્ન કર્યો હોય તેમ આખી અાંખ દ્રઢ સંકોડાઈ ગઈ - અને “ક્‌હાનાની કામણગાળી કીકી'નું જ પ્રતિબિમ્બ તેમાં અદ્રશ્યરૂપે વ્યાપી રહ્યું. હજી કુમુદસુંદરી ઝીણું ઝીણું ગણગણતી હતી, ખભા મરડતી હતી, લ્હેંકા કરતી હતી, અને, “ક્‌હાના” અને “કીકી ” શબ્દોપર ભાર મુકતી હતી:

“ક્‌હાના, ત્‍હારી કીકી કામણગાળી રે

"ક્‌હાના, ત્‍હારી કીકી કામણગાળી રે
“ક્‌હાના, કીકી ત્‍હારી કામણગાળી રે

“ક્‌હાના, ત્‍હારી કીકી કામણગાળી રે ... ... ..."

“કામણ” શબ્દ પર ભાર મુકતાં મુકતાં તર્જનીવડે તર્જન કર્યું અને નીચલો ઓઠ કરડી દાંત પણ કચડ્યા.

બારી પાસે આવી તેમ તેમ આટલી ક્રિયા પણ બંધ થઈ ગઈ. અાંખો ઉઘાડી છતાં દ્રષ્ટિક્રિયા વિરામ પામી હોય - નીશો ચ્‍હડ્યો હોય – તેમ ભાતભાતનાં લીલાપીળાં દેખાવા માંડ્યાં. તમ્મર ચ્‍હડી હોય તેમ અાખી મેડી નજર આગળ ગોળ ફરવા - તરવા - માંડી અને સામી ભીંત પળવાર હીંચકા ખાતી લાગી, પળવાર સમુદ્રમાં હોય તેમ ઉંચી નીચી થતી ભાસી, અને પળવાર કંપતા દર્પણમાં દેખાતી હોય તેમ ન્હાની મ્હોટી થતી લાગી. “હવે શું રોવું ?” કરી અાંખમાંનું પાણી સુકાઈ ગયું. કાનમાં પ્રથમ તો રાત્રિની ગર્જના જેવો તોરીનો સ્વ૨ ટકટકારો કરી રહ્યો હતો તેને ઠેકાણે 'અનહદ' નાદ સંભળાવા લાગ્યો. નાસિકામાં શ્વાસ રુંધાઈ રહ્યો અને પ્રાણાયામ જાતે ઉત્પન્ન થયો. બોલવું, ગણગણવું, શ્વાસ લેવો, – સર્વ છોડી મ્હોં અધ-ઉઘાડું રહી ગયું અને ઉપર નીચે ન હાલતી ન ચાલતી દાંતની હારો રહી ગઈ – જાણે કે મદનચિતામાં મુકવા સારું શબ જ ગોઠવી મુક્યું હોય અને એ ચિતા પુરેપુરી તૈયાર થવાની વાટ જોવાતી હોય. સેનાધીશના શંખનાદની સૂચના સાંભળવા સ્થિર ઉંચી ડોક કરી વીર સેના ઉભી હોય અને મરણના મુખમાં કુદી પડવાની વાટ જ જોઈ રહી હોય તેમ સુન્દર કંઠ ઉત્કંઠ અને નિશ્ચળ બની ગયો. પાપકૂપમાં પડવા તેના ખોડ ઉપર ઉભી રહી કુવામાં ડોકું કરી પડવા તે તૈયારી કરતી હોય તેમ તેના નાજુક અને નાગજેવા હાથ નાગફણા પેઠે જ ઉપસ્થાન કરી રહ્યા અને ધ્રુજવા લાગ્યા. કોઈ જોર કરી બારણું ઉઘાડવાની આજ્ઞા કરતું હોય અને અનિચ્છાથી તે માનવી પડતી હોય, બારી ઉપર હાથેલી વડે થાપા દેવા હોય – તેમ કંપતી