બાળકના જેવી અાંગળીયો પહોળી રાખી બે હાથે બારી ભણી હાથેલીયો. દેખાડી; – પણ આવા કર્મનાં અપરિચિત કાંડાં, એમાં આશ્રય આપતાં હામ જતી રહી હોય તેમ, લુલાં પડી ગયાં; અને હાથેલીયો નિરાધાર હોય એમ, ચતી ર્હેવાનો યત્ન કરવા છતાં, લટકવા લાગી. આતુરતાથી ઉંચું થતું, અવશતાથી કંપતું, લજ્જાથી સંકોચાતું, અાશાથી તળે ઉપર થતું, કામાર્ત્તિથી વેગવાહી બનતી નાડીયોમાં વેગથી ધડકતા રુધિરના ઉછળાઓથી ફરકતું, સૂક્ષ્મતર થતા, પટુતર થતા જ્ઞાનતંતુઓની સર્વાંગી અને આવેશભરી સ્ફુરણાથી ઉભી થતી રોમરાજિના મૂળે મૂળ આગળ અને શિખરે શિખર ઉપર ઉદ્દીપ્ત થતું, વારાફરતી ચળકાટ અને વિવર્ણતા ધરતું, ન્હાનુંસરખું પણ અગણિત મહાવિકારોને સમાસ આપતું, જાતે એક પણ અનેકવૃત્તિમય થતું, ચેતન છતાં જડતાને સ્વીકારતું, પવિત્ર છતાં અપવિત્રતા ભણી ઉલટતું, પ્રમાદધનનું હોવા છતાં સરસ્વતીચંદ્રની સત્તા માનતું, અને સ્થિર થવા – ક્રિયામાં સંક્રાંત થવા – દેખાઈ આવતા પણ વૃથા પ્રયત્ન કરતું, અસ્થિર, ક્રિયાહીન, દીન, અને વિહ્વળ અંગ ઉત્તમાંગના આધારભૂત થવાને બદલે જાતે આગાડી ધપતા ઉત્તમાંગને જ અાધારે પાછળ પડી – છુટું ન પડાતાં – નીચે લટકી રહ્યું હોય એવો વિકાર અનુભવતી બાળા નખથી શિખસુધી થરથરવા લાગી, વાંચેલા મદન–જવરના સ્પષ્ટ પ્રયોગનું પાત્ર થતી થતી બળી બળી થવા લાગી, અને મરણ પ્રત્યક્ષ ઉભું હોય તેમ બ્હેબાકળી (ભયવ્યાકુળી) અને વ્હીલી બની. તેનાં સુંદર પ્રફુલ્લ ગાલસંપુટ મુખમાં ચુસાવા લાગ્યાં. પકવ બિમ્બૌષ્ઠ વિવર્ણ બન્યા અને માઘમાસની ઠંડીને વશ હોય તેમ સંકોચાઈ ત્ર્હેંકાઈ ગયા. અાંખો બાડી થઈ અને સુન્દર મુખ કદ્રુપું અને પ્રેતના જેવું ભયંકર થયું. માત્ર આ સર્વ વિકૃતિનું તેને પોતાને દર્શન ન થયું - ભાન ન રહ્યું – જાણે કે આત્મભાન વિનાનું શબ સર્વશઃ ન હોય ! અાત્મભાનની ન્યૂનતા એ જ ઉત્કર્ષની બાધક છે.
કુમુદસુંદરી અામ દ્વાર ઉઘાડવા ગઈ દ્વારથી અાણીપાસની સાંકળ ઉઘાડવી એના હાથમાં હતી. પેલી પાસની સાંકળ કુષ્ણકલિકાએ ઉઘાડી હતી – વાસી ન હતી; અા તેનું સખીકૃત્ય કુમુદસુંદરીના અપભ્રંશને અતિ અનુકૂળ લાગ્યું. કુમુદસુંદરી ! તું સાંકળ કેમ ઉઘાડતી નથી ? દ્વાર આગળ હાથેલી ધરી છતાં કેમ ધકેલતી નથી ? અાની આ દશામાં જુગના જુગ વીત્યા છતાં સ્તબ્ધ – અકર્મ – તું કેમ ઉભી રહી છે ? અામ કેટલીવાર તું ઉભી ર્હેશે ? શું તને નિદ્રા નથી આવતી? રાત્રિના બાર વાગી ગયા છે. શું તને કોઈ અટકાવે છે ? દેખાતું તો કોઈ નથી. રસ્તા પરની બારીમાંથી આવતા પવનને લીધે ટેબલ પર કંપતા દીવાએ કુમુદસુંદરીની છાયા ઉઘાડવાની બારી