સ્વર નીકળતો અને સઉ કોઈને એનાં વચન મધુર લાગતાં. સાત્વિક વૃત્તિવાળા મનુષ્યો તેના ઉપર દ્રષ્ટિ ઠારતાં અને જેઓને એનું મ્હોં નીહાળવાની ટેવ પડતી તેમને એના ઉપર સહજ નિર્દોષ, અને શાંત પ્રીતિ ઉપજતી. રસજ્ઞ પુરુષોને વધારે જોતાં એના મુખ પર વધારે શુદ્ધ સુંદરતા સ્પષ્ટ માલમ પડતી. ચતુર સ્ત્રીયોને તેની અાંખ ચકોર લાગતી. અાધેર સ્ત્રીયો એમ કહેતી કે એનામાં સહોજ બહુ છે. જુવાન લલનાઓને એની વાતોમાં રસ પડતો. રસીયણ બાઈડીઓ એની પાસે બેસતી, એના સામું જોઈ ર્હેતી, એની બોલવાની રીત સરતમાં રાખતી, એના હાવભાવનું અનુકરણ કરતી અને કરવાની બીજાને શીખામણ આપતી, અને એની નાજુકતા, સુંદરતા, ચતુરાઈ ને લજજા, એનું લાવણ્ય અને કોમળપણુંઃ અા સઉ કીયા કીયા પ્રસંગમાં કેવી કેવી રીતે દેખાયું તેનું પૃથકકરણ કરતી અને તે પર એ આઘે હોય ત્યારે રસભેર ચર્ચા ચલાવતી. ન્હાનાં બાળકો રમવાનું મુકી દેઈ એની પાસે આવી એને વીંટાઈ બેશી રહેતાં. અને કોઈ પણ માણસ એની સુંદરતા શોધી ક્હાડતું તો સઉ સાંભળનાર તે શોધનારની ચતુ૨તા વખાણતાં અને તેના મતમાં ભળતાં. કેટલાંક અંત:કરણોમાં એને જોતાં આશીર્વાદની ઊર્મિયો ઉછળતી. એના ઉપર જોનાર, એને સાંભળનાર, એની સાથે બોલનારઃ સઉ એકસરખાં શાંત ચંદ્રિકામાં ન્હાતાં હોય, અમૃત સરોવરમાં ડુબકી મારતાં હોય, શીતળ આનંદની વૃષ્ટિમાં ફરતાં હોય - એવી નિર્દોષ રસિક વૃત્તિનો અનુભવ કરતાં.
સાસરીયામાં પણ અત્યારસુધીમાં એણે સારો સમાસ કરી લીધો હતો. અલકકિશોરીને અમલ ચલાવવાની ટેવ પડી હતી, તો કુમુદસુંદરીને ન્હાનપણમાંથી આજ્ઞા માનવાની ટેવ પડી હતી. અમાત્યના ઘરમાં સ્ત્રીવર્ગને કાંઈ કામ કરવાનું હતું નહી કે વાદ થાય. પઈસાનો ટોટો હતો નહી કે સઉની ઈચ્છાઓ પૂરી પાડતાં ભેદ રાખવો પડે. તેમાં વળી નવી વહુને લાવ્યાનું માન અલકબ્હેનને હતું. એટલે એ વહુને શણગારવી, અગાડી પાડવી, એની શોભા વધારવી, એને નાતમાં જાતમાં સગાવ્હાલામાં કુટુંબરરૂઢીમાં દાખલ કરવી, સારી શીખામણ આપવી, ઈત્યાદિ કામ ઉત્સાહથી કરવાનો ઓરીયો પણ બ્હેનને લેવાનો હતો. સઉ બાબતમાં સૌભાગ્યદેવીની તો અનુમતિ જ લેવામાં અાવતી, બુદ્ધિધન પાસે તો વાતો જ કરવામાં આવતી, અને પ્રમાદધનની પસંદગી પુછવામાં આવતી. ભાભી સાહેબ બાબત ભાઈ પાસે ચાકરો વાતો કરી બંનેની મ્હેરબાની મેળવવા યત્ન કરતા અને બહેન નર્મ [૧]
- ↑ ૧. મધુર મશ્કેરી.