પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૨

દ્રષ્ટિ તે ઉપર પડી. સારંગી ભણી દીન લોચન જોઈ રહ્યાં. સારંગીમાં જીવ આવ્યા જેવું થયું – તેના તાર જાતે કંપતા ભાસ્યા. એ તારના રણકારા– ભણકારા – કાનમાં અાવવા લાગ્યા અને નવીનચંદ્રની પવિત્રતા રક્ષવા ગાયેલી કડીયો, કોઈ અદ્રશ્ય સત્વ ગાતું હોય તેમ, સારંગીના તાર ઉપરથી ઉડી પવનમાં તરવા લાગી – નિર્બળ કાન પર વીંઝાવા લાગી:

“ શુભ્ર સ્વર્ગમાં વસનારી તે ચળી પડી હરશિરે... ... ...
“ પડવા માંડેલી પડી પાછી ” ... ... ... ... ... ... ...
* * * * *
“ ભ્રષ્ટ થયું–જરી તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો !
" ભ્રષ્ટ થઈ મતિ તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો !
........વિનિપાત જ નિર્મેલો ” .......

છેલ્લી કડી એ વિચારને જગાડ્યો ને કુમુદસુંદરી છળી હોય તેમ ચમકી “ હાય ! હાય !” એટલા બે જ શબ્દ બોલી બે ડગલાં પાછી હઠી અને સારંગીથી બ્‍હીતી હોય તેમ મ્હોં વિકાસી, બાળક હૃદયને થાબડતી હોય તેમ છાતી પર બે હાથ મુક્યા.

“મ્હેં શું કર્યું – હું શું કરવા જતી હતી ? પવિત્ર સરસ્વતીચંદ્ર, અાવી અપવિત્ર સ્ત્રીથી ત્‍હારી જોડ ન બંધાત – મ્હારા જેવી ભ્રષ્ટાનો ત્યાગ ત્‍હેં કયાં તે કેવળ ઉચિત જ થયું છે ! ”

“ હે ઈશ્વર આવી જ રીતે મને સદૈવ પવિત્ર રાખજે !
" જન્મે જન્મ તું મને સન્મતિ દેજે–
“ નિર્મળ રહે મન-કાયા રે !
“ કોટિક ભવનાં કિલ્મિષ નાસે
" એ માગું ભવ–રાયા રે ! જન્મે૦”

પવિત્રતાના વિચાર કુમુદસુંદરીનાં ચિત્તમાં ઉભરાવા લાગ્યા અને તેની ઉત્કર્ષભરી અસર તેના શરીર પર પણ સ્કુરવા લાગી. તે પાછી ખુરશી- પર બેઠી અને જે પત્રોએ એનાં મનઉપર આટલો મોહ પ્રસાર્યો હતો તેનાં તે પત્રો નિર્મળ ચિત્તથી વાંચી, પૂર્વની નિર્મળ અવસ્થાનાં સ્મારક ગણી, છાતી સરસા ચાંપી, અમ્મરના પડમાં પાછા સાચવી મુકી, કબાટમાં મુક્યા. પાછી હતી ત્યાં ને ત્યાં બેઠી અને રાત્રિ જાય છે તેનો વિચાર કર્યા વિના, ઘડીયાળમાં એક વાગ્યે તે કાન આવ્યો છતાં ન સાંભળી, ઘડીક દિવ્ય વિચારમાં પડી. પોતાના મનઉપર મોહ થયો હતો તેનાં કારણ વિચારી, પોતે કેટલી ભ્રષ્ટતામાંથી કેવા ઈશ્વરપ્રસાદથી જ ઉગારી તે વાત મનમાં રમમાણ કરી. ગુણસુંદરી, સૌભાગ્યદેવી,