લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૩

વનલીલા, અને અલકકિશોરીનાં પવિત્રરૂપ મન આગળ ખડાં કરવા લાગી. “અલકબ્‍હેન કરતાં હું ગઈ” વિચારી અભિમાન છોડ્યું, અને નણંદની ઉન્મત્ત પણ નિર્દોષ મૂર્ખતાથી છવાયેલા વિશુદ્ધિ-૨ત્નોના ભંડાર જેવા તેનાં ભોળા અંતઃકરણ ઉપર પ્રીતિ ઝરવા લાગી. રમતીયાળ, રસીલી પતિવ્રતા વનલીલા જેવી સખી પોતાને મળી તે મહાભાગ્ય ભાસ્યું, અને તેની સંગતિથી પોતે વધારે ઉત્કર્ષ પામી માનવા લાગી. પળવારપરનું તેનું પતિસુખ સંભારી બોલી ઉઠી. “ઓ મ્હારી વનલીલુડી, આ સુખ તને સનાતન છાજજો !” એવો આશીર્વાદ આપ્યો. કપાળે ચાંલ્લો કરેલો અને અંગે સાદાં મંગળભૂષણ પ્‍હેરેલાં એવી પતિવિના જગતમાંની બીજી કાંઈ પણ વાત ન સમજનારી - સમજવા ઈચ્છા પણ ન રાખનારી – સૌભાગ્યદેવી સાસુ વહુની અાંખ અાગળ અાવી ઉભી અને “બાપુ, મ્હારા જેવી જ થજે ” એવો આશીર્વાદ આપતી માથે હાથ મુકતી લાગી અને ભ્રમમાં કુમુદસુંદરીયે ઉચું પણ જોયું. ગુણસુંદરીનો પણ સ્વર સંભળાયો: “બ્‍હેન, હું તો હવે આજ સુધી ત્હારી પાસે શીખામણ દેવા હતી. પણ હવે જોજે હોં ! હવે તો ત્‍હારી મેળે જ સંભાળવાનું છે. ત્‍હારા પિતાના પવિત્ર કુળને કલંક ન લાગે, ત્હારી માની કુખ વગોવાય નહી, આટલું ન્‍હાનું સરખું પણ અાખા મ્હોંનું-શરીરનું–ભૂષણ નાક તે જાય નહી, તું આટલી ડાહી છે તે ધુળમાં જાય નહી, અાટલો પરિશ્રમ કરી તને વિદ્યા આપી છે તે નિરર્થક થાય નહી, પવિત્ર સંસ્કૃત વિદ્યા ખરાબે પડી ગણાય નહી, લોકવ્યવહારનો તિરસ્કાર કરી આપેલી ઈંગ્રેજી વિદ્યા માથે અપવાદ આવે નહી, આલોક અને પરલોક ઉભયમાંથી તું ભ્રષ્ટ થાય નહીં, સાધારણ લોકના જેવી વિકારવશ અનાથ તું ગણાય નહીં, તું આવી સુન્દર છે તે રાક્ષસી જેવી બને નહી, ત્હારું સ્ત્રીતેજ જતું ન રહે, ત્હારા આજ તેજસ્વી અને નિર્મળ કાચ જેવા અંત:કરણ ઉપર જોવું તને જ ન ગમે એવું ન થાયઃ-પુત્રી ! મ્હારી શાણી પુત્રી ! જે કરે તે આ સઉ વિચારી કરજે , હોં ! અમે તો આજ છીયે ને કાલે નથી. કન્યાદાન સાથે અમારા હાથમાંથી તો તું ગયેલી જ છે. પણ ત્‍હારી માનો સ્નેહ સંભારજે – ત્હારી માને ભુલીશ માં; – એકલી પરદેશમાં, પરઘરમાં ઈશ્વરને ખોળે બેઠી બેઠી પણ માંને ભુલીશ નહી; માનું કહ્યું વિસારીશ નહીં. હવે અમારું કહ્યું માનવું - ન માનવું – તે ત્‍હારા હાથમાં છે - તું અને ત્‍હારો ઈશ્વર જ જાણનાર છો. અમારે શું ? – અમે કોણ? - કર્તાહર્તા ઈશ્વર – અમે તો માત્ર વચમાંનાં દલાલ – અા ઘેરથી પેલે