લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૭

આ જય પામવો તે યુદ્ધના પ્રસંગ શીવાય બનતું નથી. કેટલાક માનવી આવા યુદ્ધપ્રસંગ વિના પવિત્ર રહેલાં હોય છે – પ્રસંગ ન આવે તે પણ એક મહાભાગ્ય જ છે ! પ્રસંગ આવ્યે શુદ્ધ જય પામે તે તો વિરલ જ, પણ જય પામતા પ્હેલાં શત્રુના ઘા સહેવા પડે અને આગળ ધપતા પ્હેલાં જરી પાછળ પડવું પડે તો તેથી યુદ્ધમાં પડનારનો જય સકલંક નથી થતો. આવા પ્રસંગના અપરિચિત માનવી ! આવા યોદ્ધાની પાછી પડેલી પદપંક્તિ અને સામે મુખે ખમેલા ઘામાંથી વ્હેતું રુધિર જોઈ તે ઉપરથી તે ચોક્કાની નિર્મળતાનો વિચાર ન કરતાં તેણે અજમાવેલા દુ:સહ બળનો વિચાર કરી તે યોદ્ધાને માન આપજે – તેની પૂજા કરજે. માનવીની નિર્મળતાનો અંત નથી – ત્હારી નિર્બળતા કસાઈ ઉઘાડી પડી નથી તે લક્ષમાં રાખી – થોડા ઘણા પણ બળવાન યોદ્ધાને જોઈ જપનું સ્તવન કરજે – અને પ્રસંગ પડ્યે ઈશ્વર તને પણ એવું જ બળ આપે એવી પ્રાર્થના કરજે. નિર્બળતા ઉપર અનુકંપા ઉપજે અને સન્માર્ગે બળની ઉત્પત્તિ જોઈ અનુમોદન થાય એ પણ સૂક્ષ્મ અનુભવ અને ઉદાર કોમળ પવિત્રતા વિના કેવળ દુર્લભ છે.

ક્ષણવાર નિર્બળ નીવડેલી પણ અંતે પવિત્ર રહી શકેલી બાળક કુમુદસુંદરીની સુંદર અને શક્તિમતી પવિત્રતાના મૂલ્ય પરીક્ષક ! ત્હારી ચતુરતા ઘણી સૂક્ષ્મ રાખજે અને તેનો સદુપયોગ કરજે. આત્મપરીક્ષા પ્રથમ કરજે કે પ૨પરીક્ષા શુદ્ધ થાય. પોતાની છાયાથી ચમકનાર અને પોતાની જ કલ્પકશક્તિ પાસેથી ઉપદેશ લેનાર ચેતનશક્તિ બલિષ્ટ અને નિરંકુશ મોહના આવરણને ફાડી નાંખે એ વિશુદ્ધિનું महिमन् ગવાય તેટલું ઓછું છે.

અશ્રુસ્નાનથી શુદ્ધ બની, હૃદયપશ્ચાત્તાપનું તપ કરી, પવિત્ર સત્ત્વોનું સમાધિમાં દર્શન કરી, વિશુદ્ધિમય બનતી બાળાના મુખ ઉપર નવું તેજ આવવા લાગ્યું, તેનું વિશાળ કપાળ આકાશ જેવું વિશાળતર થયું અને રક્તચંદ્રે પૂર્ણિમા અનુભવી. આંખો આનંદાશ્રુથી સ્નિગ્ધ બની વિકસી ચળકાટથી ઉભરાઈ અને ગમ્ભીર મન્દ સ્મિત શાંત નદી જેવી અધરરેખા ઉપર તરંગાયમાન થયું. પાંખો પ્રસારી વિસ્તાર પામી પ્રકુલ્લ બની ઉંચી ચાંચ રાખી બેઠેલું રમણીય રસિક નિરંતર સંયુક્ત સ્તનસંપુટાકાર દ્વિજનું[] જોડું સુવૃત્ત હૃદયમાં ગર્ભરૂપે રહેલા કોમળ આનંદને સેવવા લાગ્યું - હૃદયકમળમાં તત્ક્ષણ ઉદયમાન થતા તેજ–ગર્ભની અસર ઉંચે ચ્હડી જતાં તેથી મસ્તિક પણ તર થયું અને વિભ્રમશિખર પામતાં હોય તેમ નયનપુટ પણ અર્ધનિમીલિત થયાં. નખથી શિખ સુધી પવિત્ર તેજ સ્ફુરવા લાગ્યું.


  1. ૧. બે વાર જન્મનાર, પંખી.