મન-આકાશમાં પવિત્રતાનો કોમળ ઉદય થતાં અંધકાર નાશ પામ્યો. મદન નિશાચર અદૃશ્ય થઈ ગયો. કુમુદસુંદરી ઉઠી અને હવે શું કરવું તે વિચારવા લાગી. સુવાનો વિચાર કર્યો. પણ પલંગ ભણી જતાં જતાં સુઝી આવ્યું: “સરસ્વતીચંદ્રની સાથે મ્હારે હવે સંબંધ નથી એ વાત આજથી સિદ્ધ. ઈશ્વર હવે એ પવિત્ર પુરુષને મ્હારા ભ્રષ્ટ હૃદયમાં આણી અપવિત્ર ન કરીશ – મને મ્હારા યોગ્ય મ્હારા પતિમાં જ રમમાણ રાખજે. એટલો પતિ મને છાજે તો ઘણું છે.”
“પણ સરસ્વતીચંદ્રની એક સેવા કરવાનું મ્હારા હાથમાં છે. મુંબાઈ જઈ ઘેર જઈ પોતાને ઉચિત વ્યવહારમાં પડે – દેશસેવા કરે – એટલું એને હું સમજાવી ન શકું ? એટલું કાર્ય કરવા એની પાસે જવું એ યોગ્ય ખરું ? ના. પણ પિતા અને મિત્રથી સંતાતા ફરતાં ૨ત્ન ઉપર મ્હારી દૃષ્ટિ જાય અને એ રત્નને આમ અંધકારસમુદ્રમાં પડતું હું જોઈ રહું એ પણ ઉચિત ખરું ? –ના.”
“એની પાસે જવામાં વિશુદ્ધિને ભય ખરું ? - હા. મ્હારો યે વિશ્વાસ નહી અને એનો યે વિશ્વાસ નહી.”
"ત્યારે ન જવું."
“પણ ચંદ્રકાંત આવે છે તે પ્હેલાં કંઈક નાસી જશે તો ? પછી કાંઈ ઉપાય ખરો ? – કાંઈપણ ઉપાય હોય તો તે આજની રાતમાં જ છે - પ્રભાત થતાં નથી. મ્હારા વિના બીજા કોઈના હાથમાં એ ઉપાય નથી.”
“નાસશે ? આટલું સાહસ કરનારનો હવે શો ભરોંસો?”
“ વિશુદ્ધિને કાંઈ બ્હીક નથી. સ્ત્રી આગળ પુરુષ નિર્બળ છે – મ્હારામાં મ્હારાપણું હશે તો વિકારનો ભાર નથી કે બેમાંથી એકના પણ મનને એ વશ કરે. અને હવે વશ કરે? –ઈશ્વર મ્હારો સહાયભૂત છે.”
“ભયંકર સાહસ કરવાનું છે - પણ આવશ્યક છે.”
“ના, હવે મ્હારી વિશુદ્ધિ નિર્ભય છે. મ્હારી માતા, આ જ ત્હારો ઉપદેશ – ત્હારી પવિત્રતા - એ મ્હારું અભેદ્ય કવચ છે. હું ત્હારી પુત્રી છું. પતિ ! ત્હમારા કૃત્ય સામું જોવું એ મ્હરું કામ નથી. મ્હારે મ્હારા પોતા ઉપર જવાનું છે. હું કોણ? કોણ માબાપની દીકરી ? આ ક્ષણભંગુર શુદ્ર સંસારમાં વિશુદ્ધિને મુકી બીજું શું લેવાનું છે? પવિત્ર સાસુજી - મહાસતી દેવી !– ત્હમારો આશીર્વાદ ફરે એવો નથી ! ત્યારે મલિન વિચાર જખ મારે છે.”