લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૫
“ તજી ત્હેં ત્યાં પડી છુટી, સરિતા અબ્ધિમાં સુતી !
“ ગિરિ ! એ સાંકળી તુંને નહીં તોડી કદી તુટે. ૨૩
“ જડાઈ ભૂમિમાં સ્થિર, ઉંચે આકાશ *ઉદ્ગ્રીવ[],
“ થઈ મ્હારે રહ્યું જોવું, દીનનું અબ્ધિમાં રોવું. ૨૪
“ હવે સ્વચ્છન્દચારી હું ! ચદ્રચ્છાવેશધારી હું !
“ પતંગો ઉડતી જેવી – હવે મ્હારી ગતિ તેવી. ૨૫
" ઉડે પક્ષિગણો જેમ, હવે મ્હારે જવું તેમ;
“ સમુદ્ર મોજું ર્‌હે તેવું મ્હારે ય છે ર્‌હેવું. ૨૬
" નહી ઉંચે - નહી નીચે મળે અાધાર, ઘન હીંચે,
" નિરાધાર - નિરાકા૨:– હવે મ્હારીય એ ચાલ. ૨૭
" સ્ફુરે પોતે, ન દેખાય, કુમુદની ગન્ધ ગ્રહી વાય,
“ અરણ્યે એકલો વાયુ ! જીવન એ ભાવિ છે મ્હારું. ૨૮
“ જાહાંગીરી ફકીરી એ ! લલાટે છે લખાવી મ્હેં !–
“ પ્રજા એ હું– 'નૃપાળ' એ હું ! ઉરે, ઓ એકલી, તું-તું ! ૨૯

કવિતા વંચાઈ કાગળપર ઠેકાણે ઠેકાણે લખનારનાં આંસુ પડવાથી ઘણાક અક્ષરો ચ્હેરાયા હતા અને ઘણેક ઠેકાણે આંસુના ડાઘ ભીના અને તાજા હતા. જેમ જેમ વધારે વધારે વાંચતી ગઈ તેમ તેમ કુમુદસુંદરીના મર્મ કચડાવા - ચીરાવા – લાગ્યા, દુઃખનો પાર રહ્યો નહી, અાંસુનો અવધિ દેખાયો નહી,

અંતે શોકનું શિખર આવ્યું. કવિતા પુરેપુરી વંચાઈ રહ્યા પછી પળવાર વિચારમાં પડી, હૈયાસુની બની, કુમુદસુંદરી ત્રિદેાષ થયો હોય, તેમ બકવા લાગી.

“ નિરાધાર - નિરાકાર – અરણ્યે એકલો એ તો !”
“ હવે પાછો નહીં આવું ! ઉંડો જવાળામુખી જેવો !”
“ ગણ્યા ના મર્મ ભેદાતા ! ન ભુલાતું ન ભુલાય !”
“ ઉરે–ઓ એકલી ! –તું તું! અરણ્યે એકલો એ તો”–
“ નિરાધાર -નિરાકાર ! સઉ હું દુષ્ટને કાજ !” .

  1. * ઉંચી ડોકવાળો.