“ભાઈસાહેબ, બોલ્યું, ચાલ્યું માફ કરજો, મ્હારા પર આપની કૃપા ઘણી થઈ છે.”
"કાંઈ હરકત નહી.”
સરસ્વતીચંદ્ર મેડી બ્હાર ચાલ્યો અને પોતાની મેડીમાં ગયો. કા૨ભારે ચ્હડતું મસ્તિક પરદેશીને વાહનનો જોગ કરી આપવાનો વિવેક કરવો સાંભરી આવેલો ભુલી ગયું.
મૂર્ખદત્ત નિત્ય પ્રાતઃકાળે આવતો હતો તેની જોડે પોતાની ગાંસડી રાજેશ્વરમાં મોકલી દઈ સરસ્વતીચંદ્ર નીચે આવ્યો અને સૌભાગ્યદેવી તથા અલકકિશોરીની રજા માગવા લાગ્યો. ત્યાં સ્વાભાવિક રીતે તેને ન જવા દેવાનો આગ્રહ થયો. બુદ્ધિધનની રજાનું નામ આવ્યું એટલે સૌભાગ્યદેવીએ આગ્રહ કરવો છોડી દીધો અને માત્ર ખેદ બતાવ્યો.
અલકકિશોરી ક્હે : “પિતાજીને જઈને કહી આવું છું – આજ તો ગમે તેમ કરીને ર્હો – એવું અચીંત્યું શું છે જે?” આખરે એ પણ શાંત થઈ.
સરસ્વતીચંદ્ર કુમુદસુંદરીને જોતો જોતો ચાલ્યો – તેનું મ્હોં લેવાઈ ગયું - આંખમાં આંસુ આવ્યાં, પગ ઉપડ્યો નહી તેને બળાત્કારે ઉપાડ્યો, ઉમ્મ૨માં ઠેસ વાગી, અને બારણા બ્હાર નીકળ્યો.
પોતાના કહ્યાની કાંઈ પણ અસર નથી થઈ જાણી ખિન્ન બની, તેને જતો જોઈ રોવા જેવી થઈ, તેની સાથે બોલવાનો અવકાશ પણ નથી વિચારી ઓછું આણી, હવે તેને મળવાનું નથી કલ્પી નિરાશ થઈ, હવે તેનું શું થશે એ વિશે અનેક અમંગળ તર્ક કરતી ભયભીત કુમુદસુંદરી, લોકલજજાનો ખરેખરો તિરસ્કાર કરી જતાને જોતી જોતી, નિ:શ્વાસ મુકી “હાય હાય રે” એવી બુમ પાડી પાછળ ઉભેલી એક સ્ત્રી ઉપર ઢળી પડી. રંગમાં ભંગ થયો. એને ઉઠાડી. “કંઈ નહી – એ તો મને કંઈક પેટમાં આંકડી આવી” કરી કુમુદસુંદરી સજજ થઈ અને સઉભેગી, શુન્ય તો શું પણ પ્રવાસી બનેલા હૃદયથી છુટી પડેલી બની, ઉત્સવકાર્યમાં દેહને મેળવવા લાગી.
કારભારીના દ્વાર બ્હારની ધામધુમ વચ્ચે થઈ ઈશ્વર પેઠે કોઈથી અલક્ષિત છાનોમાનો સરસ્વતીચંદ્ર હૃદયને કારભારીને ઘેર મુકી ચાલતો થયો.