લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૬
પ્રક૨ણ ૨૧.
ચાલ્યો.

કુમુદસુંદરીએ ખીસામાં કાગળ મુક્યો હતો તે વાંચવાની જોગવાઈ શોધવા સારુ સરસ્વતીચંદ્રે આટલી ઉતાવળ કરી. બુદ્ધિધનના ઘરમાં - ગામમાં – એ કાગળ ઉઘાડવો – એ અક્ષર કોઈ જુવે – તે પણ ભયંકર હતું; કુમુદસુંદરીને અનિષ્ટકર હતું.

રાજેશ્વરમાં જતાં મૂર્ખદત્ત મળ્યો. સરસ્વતીચંદ્ર તેની સાથે જમ્યો અને જમતાં જમતાં કાંઈક વાત થઈ.

“ નવીનચંદ્ર, તમે અંહીથી હવે શીદ જશો ? ”

“ મ્હારે ભદ્રેશ્વર ભણી જવાનો વિચાર છે.”

" ગાડી બાડી કરીયે કની ?”

“ આણી પાસ થઈને ગાડું બાડું જતું હશે તેમાં બેસી જઈશું.”

“ ભાઈસાહેબે તમને ગાડી ન આપી ? ”

“ મ્હેં માગી જ નથી. મ્હારે એકલાં જવું છે. ”

“ ત્યારે તમે રસ્તામાં કોઈને ક્‌હેશો નહી કે હું એમને ઘેરથી આવું છું.”

"કેમ?"

" શઠરાય તરફના બ્હારવટીયા આજ ચારે પાસ ભમે છે – અને ભાઈસાહેબનું માણસ હોય તો તેને બહુ કનડે છે. કુમુદસુંદરી પણ ભદ્રેશ્વર જવાનાં છે અને મને આ બાબત ખબર પડી એટલે અલકાબ્હેનને કહી આવ્યો કે ગમે તે હવણાં જવાનું બંધ રખાવો ને ગમે તે સાથે બહુ સારો બંદોબસ્ત કરજો."

“ હશે મ્હારે શું બ્હીવાનું હતું ? હું જરા વાડામાં બેસું છું. તમે કોઈ ગાડું આમ જતું હોય તો ઉભું રાખી મને બોલાવજો. ” મૂર્ખદત્ત બારણા ભણી ગયો. સરસ્વતીચંદ્ર વાડામાં ગયો અને મૂર્ખદત્તના ખાટલા પર બેસી શોકસાથે ખીસામાંનો પત્ર વાંચવા લાગ્યો, વાંચતાં વાંચતાં પત્રના અક્ષરથી અને હવે અનંત બનેલા વિરહના ભાનથી જેણે આજસુધી હૃદય ટેકવ્યું હતું તેની આંખમાંથી એકાંત અશ્રુધારા વહેવા લાગી.

“ કુમુદસુંદરી ! હું ત્હારે વાસ્તે શું કરું ? ત્હારી ઇચ્છા મ્હારા મુંબાઈ જવામાં સમાસ થાય છે ! ખરે ! તું સતી છે. અણગમતા પુરુષને વશ ન જવામાં ઘણીક સ્ત્રીઓ ભયને ગણતી નથી - તેમનું સતીપણું વધારે કે આટલી ઉંડી અને ન ભુસાય એવી પ્રીતિ છતાં મળેલા પ્રસંગે આટલી દૃઢતા