પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૧

“પ્રમાદધનને શી શિક્ષા થાય છે તે જણાય તો ઠીક પણ હવે મ્હારે એ જાણી શું કરવું છે ?”

“અરેરે ! કુમુદસુંદરી !!”

“આ બ્હારવટીયાની બ્હીક પણ ખરી ! – મૂર્ખદત્તે એમને સૂચના આપી છે એટલે ઠીક છે !”

ગાડું એક એ ગાઉ નીકળી ગયું.

ગાડાવાળાએ ગાવા – લલકારવા – માંડ્યું :

“મ્હારાં ઠકરાળાં હો ! તમારા દાડમની કળી શા દાંત !
“ઘેરે આવજો હો ! આપણે વાળીશું ગુપત ગાંઠ.
“મ્હારાં ઠકરાળાં હો ! મ્હારું ઘર ખેતરવા પેલે પાર -
“ત્યાં તો આવજો હો ! ઉઘાડું મેલીશુ અડધું કમાડ.
“મ્હારાં ઠકરાળાં હો ! તમારા કાળા નાગણશા વાળ !

“ઘેરે આવજે હો ! આપણે મ્હાલીશું માઝમ રાત !”

લલકાર આખે લાંબે માર્ગે વ્યાપ્યો.

લલકારમાં સરસ્વતીચંદ્ર લીન થયો અને કુમુદસુંદરી હૃદયના દ્વા૨માં આવતી લાગી. ગાડામાં સ્ત્રી છે એવી પશ્ચિમ બુદ્ધિ થતાં ગાડાવાળાએ ગાવું બંધ કર્યું. માથા આગળ બેઠેલી ડોશીયે ગાવા માંડ્યું

“જીવની આશા તે ડુંગર જેવડી, મરવું પગલાંની હેઠ,
"મ૨ણસમે ત્હારું કો નહી, સગું ના'વે કો ઠેઠ-જીવ૦”*[૧]

સુતેલા સરસ્વતીચંદ્રની આંખમાં આંસુ આવ્યાં – “મરવું - મરવું - કુમુદ - કુમુદ - ” કરતું કરતું તેનું રોતું હૃદય તાપમાં નિદ્રાવશ થઈ ગયું ધડકતા હૃદયને, સૂક્ષ્મ અને ચિત્ર સંસ્કારી સ્વપ્નસૃષ્ટિને, ચેતનને ચેતનના હૃદયમાં રહેલા ચેતનને, અને એમ કંઈ કંઈ ૨ત્નોને અંતર્મન્ વ્‌હેતું હૃદયશુન્ય જડ ગાડું ધીમે ધીમે ચાલવા લાગ્યું. ઉંઘતો ઉંઘતો સરસ્વતીચંદ્ર નવા અજાણ્યા સંસારમાં ચાલ્યો - ક્યાં જવું છે તેનું ભાન ન હતું, શું કરીશ તેનો વિચાર ન હતો, અને શું અનુભવાશે તેની કલ્પના ન હતી ! જન્મતો માનવી બીજું શું કરે છે ?

ગાડાની પાછળ કેટલેક છેટે પણ ગાડા ભણી અને તેમાં બેસનારાં ઉપર અચુક દૃષ્ટિ રાખતા રાખતા પરસ્પર વાતો કરતા કરતા ત્રણ


  1. *પ્રવર્તમાન લોકગીતમાંથી.