લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૩

અચીંતી આંખ ઉઘડી અને વાદળની છાયા ભણી કુમુદસુંદરીની છાયા અદૃશ્ય થઈ. આંખ ફરી મીંચાઈ ડોશીનું ગાન તો ચાલતું હતું.

“ભરમાવી દુનિયાં ભોળી રે બાવો ચાલ્યો ભભુતી ચોળી.”

** ** ** ***

"ભોજો ભગત ક્‌હે ભવસાગરમાં ખાવે માર્યા બોળી રે – ભο”

કુમુદસુંદરીની વડીયાઈ, લુચ્ચા જમાઈ યે ભોળી દીકરીને ભરમાવી માટે, ઠપકો દેતી હોય એવું સરસ્વતીચંદ્રને ભાન થયું. દુઃખમય તે ફરી સ્વપ્નવશ થયો. રગશીયું ગાડું હજી ચાલતું જ હતું. પાછળના અને આગળના સ્વર એકઠા થઈ સ્વપ્નાવસ્થ કાનમાં પેંસવા લાગ્યા.

બરોબર મધ્યાહ્ન થયો અને જગતના શિર પર ચ્હડેલો સૂર્ય માનવીનું મસ્તક તપાવવા ઉકાળવા લાગ્યો.

ચોપાસ મચી રહેતા ગરબડાટ વચ્ચે થઈને સૂર્યનો પ્રકાશ તજી પોતે કોઈ ઉંડી ખોમાં ઉતરી પડતો હોય, અંધકાર ભરેલા ગર્જના મચાવી મુકતાં સમુદ્ર મોજાને ચીરી તેને તળીયે જઈ પહોંચતો હોય, – એવું સ્વપ્ન અનુભવતો, સર્વ અન્ધકાર વચ્ચે માત્ર “કુમુદદીપ” જોવા પામતો, સરસ્વતીચંદ્ર અન્ધનિદ્રના પાતાળમાં ઉંધે માથે પડવા લાગ્યો. પડતાં પડતાં ઈગ્રેજ કવિની રજ્જુ જેવી કવિતા તેના હાથમાં આવી તેનો આધાર પકડી લેઈ લાંબા અજગર પેઠે મુખ વિકાસી ઉભેલી ઉંડી નિરાશાનિદ્રાના - કુવામાં પોતાનો પ્રતિધ્વનિ સાંભળતો સાંભળો તો ધીમે ધીમે ઉતરી પડ્યો.

"મચી ૨હ્યો કોલાહલ આજે દિશા ગાજે
“તે મધ્યે થઈ ઉતરી પડની, પડ, નીચે નીચે જાજે !
"નીચે નીચે !
“મૃગ પાછળ ધસી પડે રુધિર પીનાર શ્વાન શીકારી
"ધુમ, વીજળી જતાં, થઈ વ્યોમનો વ્યાપી;
”ગ્રહી પતંગઈન્ધન,પુઠે વિશદ ઝગી રહે જ્યોત દીવાની;
"પુઠ લેતી મૃત્યુતણી નિશા-નિરાશા કાળી;
“પ્રીતિ પાછળ દુખની છાય, ઢાંકતી આંખ, પડે ઉઘાડી;
“ચ્હડી ઉભય[] કાળ–હય–પીઠે કરે બળ-સ્વારી,


  1. *નિરાશા અને દુઃખ.