લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦

કરે છે અને આવતી કાલે શું કરવું તેની આજ્ઞા સાંભળી લે છે એટલામાં બહારથી એક સીપાઈ દોડતો આવ્યો:

“બહેન, બહેન, ભાઈસાહેબ[] આવે છે અને ઘણું કરી રાણાજી પણ અાવે છે.”

"અમારાથી પાછાં જવાય એમ છે કની ? ”

“નાજી, રસ્તાના ફાંટા પડે છે તેની અાણીપાસ ડંકો, નીશાન, અને સ્વાર આવી પહોંચ્યા છે.”

“ત્યારે ?” – ઉતાવળી ઉતાવળી અલકકિશોરી પુછવા લાગી. "હવે ?"

આવા પ્રસંગોના અભ્યાસીયોને પોતાના કાર્યમાં સમયસૂચકતાની ટેવ પડેલી હોય છે. સમો જોઈ એકદમ પગથીયાં ઉપરથી ઝટ ઝટ મૂર્ખદત્ત બોલતો બોલતો નીચે ઉતરવા લાગ્યો.

“ચાલો, ચાલો, વાડામાં આવો. રાણાજી માત્ર દર્શન કરવા આવે છે એટલે બહુ વાર નહીં બેસે અને હું બારીએ તાળું દેઈ સઉ ગયા પછી ઉઘાડીશ.” વાડામાં નવીનચંદ્ર હતો તેની મૂર્ખદત્તને ફામ ન રહી.

સ્વાભાવિક રીતે સ્ત્રી મંડળ વશ થઈ ગયું હોય એમ તેની પાછળ ચા૯યું. જતાં જતાં અલકકિશોરી વિચારમાં કુમુદસુંદરીના સામું જોઈ બોલી; “કલાક બે કલાકની કેદ હવે સમજવી. રાણાજી કાંઈ અમસ્તા દર્શન કરવા જ નથી આવતા. એમને અહીયાં વાર થશે. અાપણે અત્યારે આવ્યાં તે જ ભુલ થઈ. હશે. સરત ન રહી.”

ચાલતાં ચાલતાં કુમુદસુંદરીએ નણંદના સામું વળીને જોયું અને થયું તે ખરું એવું સમજાવવા, વદન-કમળ ઉંચું કર્યું હતું તે મન્દ લીલાથી નમાવ્યું. અને પાછું જમીન સામું જોઈ ચાલી.

સઉ બારણામાં પેઠાં એટલે પાછું જોતાં જોતાં ભડોભડ બાર વાસી તપોધને સાંકળ મારી દીધી અને તાળું પણ દીધું.



  1. ૧.બુદ્ધિધન