રાજેશ્વર મહાદેવનું દેવાલય સુવર્ણપુરથી ત્રણેક ગાઉને છેટે હતું. એટલે લોકોનો અવર જવર થોડો હતો. કોઈ કોઈ વેળા આ કારણથી શ્રીમંત વંઠેલાનું અને કોઈ કોઈ વખત રાજ્યપ્રપંચના ખટપટી વર્ગનું તે સંકેતસ્થાન થઈ પડતું. તપોધનને અા માર્ગે ઉપજમાં વધારો થતો હતો અને સર્વ જાતના યજમાનવર્ગને પ્રસન્ન રાખવાની, અનુકૂળતા કરી આપવાની, અને અનુકૂળ થઈ જવાની તેનામાં કળા અાવી હતી. ઘણું ખરું યજમાનવર્ગ તેની સાથે પ્રથમથી બંદોબસ્ત કરી મુકતા એટલે એક સંકેત સમયે બીજાઓ સંકેત કરવા અાવી ગુંચવા૨ામાં પડતા ન હતા. પરંતુ કથાનો પ્રસંગ ચાલે છે તે વખતના સાંકેતિક સાધારણ વર્ગના ન હતા અને પૂજારી અથવા બીજા સર્વે સાંકેતિકોની ફરજ હતી કે નગર અને દેવાલય બેના સ્વામીયો સ્વતંત્ર રીતે વર્તે તેમાં ખલેલ ન પ્હોંચે એ જાતે પોતાની બુદ્ધિથી જ જોઈ લેવું.
“નિઘા રખે મ્હેરબાન !” એમ પોકાર થતાં જ સુવર્ણપુરનો સ્વામી બુદ્ધિધન સાથે દેવાલયમાં આવ્યો અને પોઠીયા આગળ રાજસેવકો સોનેરી ભરતનો ગાલીચો બીછાવી ચાલ્યા ગયા તેના ઉપર બંને જણ બેઠા. મૂર્ખદત્ત જમીન સુધી નીચો પડી ત્રણ સલામ કરી પોતાની ઓરડીમાં રસોઈ કરવા ચાલ્યો ગયો. ચોમાસામાં રાત્રે વાદળાં આવે અને એક બાકામાંથી માત્ર ચંદ્ર અને કોઈ પાસેને તારો જણાય તેમ રાણો અને અમાત્ય આખા શિવાલયની એકલી વસ્તીરૂપ રહ્યા.[૧]
રાણો સાડત્રીશ અાડત્રીશ વર્ષની ઉમરનો હતો. પાછલા રાણાને ઐૌરસ પુત્ર ન હોવાથી, જુના કારભારીયો અને જુની રાણીયોને ખોટો પુત્ર મેળવવામાં કાંઈક જોગવાઈની ખામીને લીધે અને જોગવાઈ મળી તેટલી નિષ્ફલ જવાને લીધે, તે મેળવનારાઓમાં ફાટ પડી એટલે ખરા વારસને જાતે - સરકારી રેસિડેંટ મારફતે – અને પોતાના ધન પરિજનના બળ અને યુક્તિવડે પોતાનો હક સંભાળવામાં અનુકૂળ પડવાથી, મયત રાણાના પિત્રાઈ ભૂપસિંહને ત્રણચાર વર્ષ થયાં ગાદી મળી હતી. તે સાધારણ વર્ગમાં ઉછર્યો
- ↑ * આટલા ભાગની સાથે પ્રકરણ છઠ્ઠાનું અનુસંધાન છે. વચલા ભાગમાં બુદ્ધિધનની પૂર્વ વાર્તા છે