પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨

હતો અને રાજમ્હેલની ઝેરી હવા તેની કોમળ વયે જરી પણ અનુભવી ન હતી, તેથી તેની સાધારણ બુદ્ધિ નષ્ટ થવા પામી ન હતી. ગરીબ અવસ્થા થોડાંક વર્ષ દીઠી હતી એટલે ઝાઝી ઉદારતા ન હતી પરંતુ એ અવસ્થા યાદ ર્‌હેવાથી ગરીબ લોકો ઉપર અમી દ્રષ્ટિ હતી. બાપનો ગરાસ ખવાઈ જતો અટકાવવા કારભારીયો, અમલદારો અને તેમના સીપાઈઓનો પણ પ્રસંગ પડેલો હતો. કોઈની પાસે આજીજીઓ કરી અપમાન અને લુચ્ચાઈને તાબે થવું પડ્યું હતું, લાંચ આપવી પડી હતી, ધક્કા, તેમ જ ધુપ્પપા ખાવા પડ્યા હતા, પ્રપંચો જોવા તથા કરવા પડ્યા હતા, રાજાના સંબંધમાં બ્હારથી દેખાડવામાં અને મનમાં રાખવામાં માન તથા પ્રીતિમાં જે અંતર તેનાં પોતાનાં ક્‌હેવાતાં માણસો પણ રાખતાં તેની કાંઈક વાસના આવી હતી, રાજમહેલમાં રાજ્યકાર્યને પ્રસંગે અને બ્હાને અધિકારી । વર્ગની સ્વચ્છંદ વર્ત્તણુક તેના કાનમાં આવી હતી, અને આ સર્વ અનુભવનું ફળ ગાદીએ બેઠા પછી લેવા તેનો ઠરાવ હતો. રાજ્યતંત્રનાં ઘણાં માણસને ઓળખતો અને ઘણાંને ઓળખું છું એમ ધારતો. જુની અવસ્થામાં પ્હોંચેલા અપમાનનું વેર વાળવું એ પોતાનો ધર્મ સમજતો હતો અને તે સમયે પોતાનો પક્ષ ખેંચનારાઓને હવે ઉંચા ચ્હડાવવા એમાં વટ માનતો હતો. ખરેખરા રાજધર્મનો આભાસ પણ મગજમાં ન હતો તેથી અા ધર્મ અને વટ રાખવામાં જ ખરેખરો રંગ રહેશે એમ તેની દૃઢ શ્રદ્ધા હતી. આ શ્રદ્ધાનો તનખો જુની અવસ્થામાં પ્રકટ્યો હતો અને તેને નવી અવસ્થામાં સ્વાભાવિક રીતે પુષ્ટિ મળી હતી એટલે અને તે પ્રદીપ્ત બની ભડકો થવા તત્પર રહેતો. પરંતુ ગાદી પર બેસવા પછી જુના કારભારીના લચી પડવાથી વેશ બદલવાથી, ઉદારપણાથી, અને ઉચ્ચનીચ યુક્તિયોથી ભૂપસિંહનો સ્વભાવ બદલાયો દેખાતો હતો અને રાજવૈભવના શીયાળામાં તેનો અનુભવ-અગ્નિ ધીમે ધીમે કજળાતો અને તેના ઉપર મોજશોખની રાખનાં પડ બંધાતાં જોઈ સર્વ જુનું મંડળ નિશ્ચિંત થઈ જતું હતું.

અમલના ઘેનમાં, સ્વાર્થના જડપણામાં, ઉન્માદવિરોધના આવેગમાં, બાહ્યસૃષ્ટિની ભભકમાં અને રોજના લાગ્યા વ્યવહારના જાળમાં, ઘેરાઈ જતું, ઉઘતું, મૂર્ચ્છા પામતું, અંજાઈ જતું, અને લપટાઈ જતું – સર્વ મંડળ અા પ્રમાણે શુન્યવત્ થતું હતું અને રાજફેરની વાત જુની થઈ જતી હતી તે સમયે માત્ર બુદ્ધિધન એકલો જાગતો હતો, જોતો હતો, સાંભળતો હતો, વિચારતો હતો અને નવા ખેલ રચતો હતો. सर्वभूतની આ निशाમાં સુવર્ણપુ૨ના રાજયતંત્રનો અા યંત્રી, માંદા માણસની પથારી પાસે જાગનાર વૈદ્યની પેઠે