લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫


નીશાળ છોડવા પછી સંસારશાળામાં પાસ થવાની મ્હેનતમાં ઘણાક અનુભવ થયા અને ઘણાક વિચાર બદલવા પડ્યા. ન્હાનપણનાં સ્વપ્નોમાં એકદમ મ્હોટાં થઈ જવાનો વિચાર રાખ્યો હતો તેનો આવેગ કપરા અનુભવે મંદ પાડી નાંખ્ચો; અને ધીમે ધીમે, પગલે પગલે, અડચણો વેઠી, ઘણીક મ્હેનત કરી, ઘણીક ચિંતા સહી, ઘણીક વખત નિરાશ થઈ, પોતાની બાજીનું પરિણામ લાચાર બની અદ્રષ્ટાના હાથમાં ર્‌હેવા દેઈ, ઘણાં વર્ષ પછી, મૂળ ધારેલા પદે તો નહીં જ પણ એનાથી અર્ધે રસ્તે પણ પહોંચાય તો સંતોષ રાખવા વિના છુટકો નથી એવો સિદ્ધાંત કરી, બુદ્ધિધને સંસારસાગરમાં વગર તુમડે તરવા વામો ભરવા માંડી. બાપની બુદ્ધિ વિશે બહુ ઉંચો અભિપ્રાય ન હતો તે છતાં તેનો અનુભવ ઘણી વખત કામ લાગતો અને કેટલીક વખત તેની શીખામણ અને સૂચનાઓની અવગણના કરવા પછી 'મા તું ક્‌હેતી હતી તે ક્‌હે' કરવું પડતું. માની સૂચનાઓ કેટલીક વખત રુચિને અનુકૂળ લાગતી હતી, તથાપિ પ્રથમ જે માન તેની બુદ્ધિ વાસ્તે હતું તેમાંથી દિવસે દિવસે ઘણુંક કમી થતું ગયું. પુત્રને બ્હારના અનુભવે વધારે વધારે ઘડ્યો અને તેની બુદ્ધિને વયે પકવી તેમ તેમ ઘરના જ અનુભવવાળી જનનીની બુદ્ધિમાં કચાશ માલમ પડવા માંડી, અને ચ્હડતી અવસ્થાના બાળકને ઉતરતી અવસ્થાની મામાં સ્ત્રી-બુદ્ધિ ભાસવા માંડી તથા અંગવિકલ થતો પિતા બુદ્ધિ-વિકલ થતો લાગ્યો. બાળક પક્ષી માબાપના આશ્રય વિના ઉડવાની હિમ્મત કરવા લાગ્યું. માબાપના ધર્મની સીમા અનુમોદન અને અનુશોચનમાં આવી રહી. વ્યવહારશક્તિ જવાથી, બીજા સ્વાર્થ પરથી દ્રષ્ટિ વિરામ પામવાથી, અને કઠણ વૃત્તિયો વિકલ થઈ જવાથી, વૃદ્ધ માબાપની વત્સલતા ઘાડી થઈ ઉઘાડી ઉભરાવા લાગી, અને તે જમીન પર નિષ્ફલ ઢોળાઈ ન જાય એવી રીતે પોતાના ઉમળકાથી તેનો યોગ્ય સત્કાર કરી વૃદ્ધોના અપંગ આનંદને ટેકો આપવો એ મ્હારો ધર્મ છે એવી બુદ્ધિ બુદ્ધિધનમાં સ્પષ્ટ સ્ફુરવા લાગી. સંસાર પંડિતનો સ્વાભાવિક પ્રેમ સ્વાભાવિક રીતે નિર્ગન્ધ અદ્રુષ્ટ ર્‌હેતો તેના પર બુદ્ધિના રેડ્યા કૃત્રિમ પ્રેમનું પડ બંધાયું– જેણે રમણીયતા તથા સુગંધ ધારવા માંડી.

સંસારમાં કયા પ્રવાહમાં દોરાવું અને કીયા બંદર ભણી જવું એ વિચાર કરવાની બુદ્ધિધનને હવે જરૂર પડી અને તેના વિચારને પોતાના અભિલાષ પ્રમાણે વાળવા વૃદ્ધ માબાપ મથતાં. બાપના મનમાં જીવવાની મર્યાદા આ સંકલ્પ સિદ્ધ થયો જોવા સુધીની હતી. તેના મનમાં એમ હતું ` ` કે મ્હારા કુટુંબના ઓળખાણથી રાણાને અને બુદ્ધિધનનો પ્રસંગ કરી અાપવામાં હું સાધનભૂત થાઉ અને પોતાની ગરીબ અવસ્થા છતાં પણ