'કારભારી કુટુંબ' માં આવી રીતે સંસારશાળા વગર મ્હેતાજીએ, વગર પુસ્તકે વણજાણી ચાલતી. સ્ત્રીજાતની કોમળતા, કલ્પના, પ્રતિભાન, સ્નેહીપણું, રસિકતા, અને માર્મિકતાની લ્હેરો સ્ત્રીબુદ્ધિની અવગણના કરનારના અંતઃકરણમાં સતતગતિ[૧] બની પેસી જતી; અને નદી ઉપર પ્રભાતનો કમલ-સ્પર્શી પવન શરીરના ઉપર જેવી રમણીય, પાચક, અને બલવાન ગુપ્ત અસર કરે છે તેવી જ અસર આ અંત:કરણ ઉપર થતી. બેતો, કથાઓ, શ્લોકો, અને ગપાટા પ્રસાદિક [૨]બુદ્ધિશાળી બાઈએ ભેળવેલા સ્વાદિષ્ટ સંભારથી પચવામાં સુલભ થઈ જતાં.
બુદ્ધિધનના બાપને પરાપૂર્વથી ચાલતું આવેલું વર્ષાસન મળતું. તે વર્ષાસન માત્ર બસેં રૂપીઆનું હતું પરંતુ હાલ તેની કનિષ્ટ અવસ્થામાં કોઈક વખતે મદદ કરનારું થઈ પડતું અને લોકમાં પ્રતિષ્ઠા આપનારું ગણાતું. કારભારી મંડળમાં એ વર્ષાસનથી 'કારભારી કુટુંબ' નું નામ વર્ષે દિવસે અકેકી વાર સ્મરણમાં આવતું. એ શિવાય મૂળ કારભારીયોયે પઇસો એકઠો કરી મુકેલો તથા જમીન હાથમાં રાખેલી તેમાંથી અવદાન ભરવા જોગ ઉત્પન્ન થાય એટલું બાકી રહ્યું હતું. રાજસત્તા હોય તો ઘણી મીલકત ખરી થાય એવી હતી. પણ તેવી સત્તા તો ભૂતકાળની વાત થઈ હતી અને હાલ તેનું સ્વપ્ન પણ કોઈને આવતું ન હતું. પઈસો પઈસાને પેદા કરે છે. પણ આ કુટુંબમાં તો પઈસો ન હતો એટલે સરકાર દરબારને રસ્તે ચ્હડવું અને લાંચ આપી જીતવું મુશ્કેલ થયું હતું. વગવાળા અને પઈસાવાળાઓ પાસે હાથ નીચા પડી જતા અને પોતાના જેવા જ માણસો પ્રતિસ્પર્ધી હોય ત્યારે ન્યાય મળવાનો સંભવ રહેતો અને એ સંભવનો આધાર પણ અમલદારના ઉદ્યોગ, ઉત્સાહ, અને સાવધાનપણા ઉપર રહેતો, અાવું છતાં કુટુંબનો વ્યવહાર ચાલતો અને ઘર ચલાવનારની બુદ્ધિ વેતરણ અને કરકસરથી નામ પ્રમાણે ખરચ રાખ્યું દેખાતું છતાં ઝાઝું ખરચ થતું ન હતું અને કોઈ રીતે લાગે એવી અડચણ પડતી ન હતી અને કેટલીક અડચણો વેઠવાની તો સઉને ટેવ પડી ગઈ હતી. મોજશોખ અપથ્ય ગણતાં; અને કુટુંબને અાનંદ, વૈભવ, અને ભોગ મા દીકરાના ત્હાડા પ્હોરના ગપાટાની બાંધી હદમાં રહેતા.
બુદ્ધિધનનો વિવાહ એના જેવા જ કુટુંબની કન્યા સાથે થયેા હતો અને તે નમાઈ હોવાથી સાસુના હાથ નીચે ઉછરી હતી એટલે ગજાપ્રમાણે કુશળ થઈ હતી. તેનું નામ સસરાયે પાડ્યું હતું અને નિર્ધનના ધન–વરકન્યા–ઉપર રંક 'કારભારી કુટુંબ' સુતું ઉઠતું હતું.